બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ પર ઝનૂની પ્રેમી દ્વારા ગર્લફ્રેન્ડની હત્યાનો પ્રયાસ
સહકર્મીઓ વચ્ચે 13 માસથી પ્રેમ સંબંધ, લગ્નની ચર્ચા થઈ હતી
શારીરિક નિકટતા કેળવવા ઈનકાર કરતાં ગળું દબાવ્યું, ખડક સાથે માથું અફાળી ડૂબાડી દેવાની કોશીશ, બૂમાબમ કરતાં લોકોએ બચાવી
મુંબઇ : બાંદ્રાના બેન્ડ સ્ટેન્ડ પર ગર્લફ્રેન્ડની કથિત હત્યા કરવાનો પ્રયાસ કરનાર એક યુવાનને ત્યાં હાજર લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો હતો. યુવતીની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે આ પ્રકરણે યુવાન સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવાને તેની ગર્લફ્રેન્ડ સાથે કથિત રીતે શારીરિક નિકટતા કેળવવાની વાત કરી હતી જો કે ગર્લફ્રેન્ડ ડરી ગઇ અને તેણે આ વાત નકારતા ભડકેલા યુવાને તેના પર હુમલો કર્યો હોવાનું કહેવાય છે.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર આકાશ (૨૮) અને લુબના (૨૮) એક જ ઓફિસમાં કામ કરતા હતા અને પછી બંને વચ્ચે મિત્રતા બંધાઇ હતી. આ બંને વચ્ચે છેલ્લા ૧૩ મહિનાથી સારી મિત્રતા હતી. કલ્યાણમાં રહેતા કપલે મુંબઇમાં ફરી સાથે સમય વિતાવવાનું નક્કી કર્યું હતું.
કપલ બુધવારે પહેલા ગેટ-વે ઓફ ઇન્ડિયા ગયું અને ત્યારબાદ મોડી સાંજે બાંદ્રાના બેન્ડ સ્ટેન્ડ ખાતે પહોંચ્યું હતું. અહીં બંને વચ્ચે લગ્નના પ્લાન વિશે પણ ચર્ચા થઇ હતી. રાત્રે ૯.૩૦ના સમય થતા યુવતીએ ઘરે જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જો કે આકાશે હજી વધુ સમય વિતાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને ટ્રેનમાં ઘરે જવાની જગ્યાએ ટેક્સીમાં જશે તેવું જણાવ્યું હતું.
દરમિયાન તેણે ગર્લફ્રેન્ડ સમક્ષ નિકટતા કેળવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ વાતથી તેની ગર્લફ્રેન્ડ ડરી ગઇ હતી અને આ વાતને નકારી દેતા યુવાન ભડક્યો હતો. ડરના માર્યા ગર્લફ્રેન્ડે રડવા લાગતા તેણે પ્રથમ તેના મોઢા પર હાથ દબાવી દીધો હતો અને ત્યારબાદ તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. યુવાને તેના વાળ ખેંચી તેનું માથું ત્યાંના ખડક સાથે અફાળવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ પાસેના એક પાણીના ખાબોચિયામાં તેનું મોઢું દબાવી મારવાનો પ્રયાસ પણ કર્યો હતો.
યુવતીએ તરત ચીસા-ચીસ કરી મૂકતા ત્યાં હાજર અન્યોનું ધ્યાન ગયું હતું. આ લોકો તરત યુવતીની મદદ માટે દોડી આવ્યા હતા અને ત્યાંથી ભાગી જવાનો પ્રયાસ કરનાર યુવાનને પકડી પાડયો હતો. આ વાતની જાણ અહીં ફરજ બજાવતા પોલીસકર્મીને કરી યુવાનનો કબ્જો પોલીસને સોંપ્યો હતો. પોલીસે તરત જ યુવતીને પાસેની એક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. આ પ્રકરણે પોલીસે આરોપી યુવાન સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.