22 કરોડનું કોકેન ધરાવતી કેપ્સ્યુલ ગળી જઈ દાણચોરીનો પ્રયાસ
એરપોર્ટ પર યુગાન્ડાના ૩ પ્રવાસી ઝડપાયા
એરપોર્ટ પરથી ધરપકડ બાદ કોર્ટનો આદેશ મેળવી હોસ્પિટલ લઈ જવાયા
મુંબઈ - મુંબઇ એરપોર્ટ પર કોકેનની દાણચોરી કરવાના રેકેટમાં ડિરેકટોરેટ ઓફ રેવન્ય ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ ત્રણ વિદેશી પ્રવાસીની ધરપકડ કરી છે. યુગાન્ડાના નાગરિકો કોકેટન ભરેલી ૧૭૦ કેપ્સ્યુલ્સ ગળી ગયા હતા એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
ભારતમાં કોકેનની દાણચોરી કરવાના ડ્રગ સિન્ડિકેટના ત્રણ પેસેન્જર વિશે ડીઆરઆઇને ચોક્કસ માહિતી મળી હતી. જેના આધારે છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એન્ટેબેથી આવેલા ત્રણ પ્રવાસીને શંકાના આધારે પકડવામાં આવ્યા હતા. તેમણે પૂછપરછમાં કોકેન ભરેલી કેપ્સ્યુલ ગળી ગયા હોવાની કબૂલાત કરી હતી.
આરોપી ત્રિપુટીને કોર્ટમાં હાજર કરવામાં આવી હતી. કોર્ટના આદેશ પર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ ત્રણ પ્રવાસી ૨.૨ કિલો કોકેન ધરાવતી ૧૭૦ કેપ્સ્યુલ ગળી ગયા હતા. તેમની સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે.