મ્હાડાના 400 ફલેટના તાળાં તોડી કબજે લેવા પ્રયાસઃ 160 સામે ગુનો
થાણે જિલ્લાના ભંડારલી-ગોઠેઘરમાં ગ્રામવાસીઓની ધમાલ
પોતાની જમીન પર દબાણના આક્ષેપ સાથે મહાડાના પ્રોજેક્ટનો સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધઃ
મુંબઇ : થાણે જિલ્લાના ભંડારલી-ગોઠેઘર ગામમાં મ્હાડાના હાઉસિંગ પ્રોજેક્ટનો વિરોધ કરી અતિક્રમણ કરવાના આરોપસર પોલીસે ૧૬૦ ગામવાસીઓ સામે કેસ નોંધ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલા મ્હાડાના આ હાઉસિંગ પ્રોજેક્ટનો સ્થાનિક ગામવાસીઓ શરૃઆતથી વિરોધ કરી રહ્યા છે અને તાજેતરમાં આ હાઉસિંગ પ્રોજેક્ટમાં ગેરકાયદે ઘુસી જઇ ગામવાસીઓએ ૪૦૦ ફ્લેટના તાળાતોડી તેનો ગેરકાયદે કબજો લેવાનો પ્રયાસ કર્યો હતો.ર્
આ સંદર્ભે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ હાથ ધરનાર ડેવલપરની ફરિયાદને આધારે ડાયઘર પોલીસે આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આ લોકો સામે કાયદેસર કાર્યવાહી આરંભી છે. આ બાબતે ગુનો નોંધાયા બાદ પોલીસે ટોળામાંથી ઘણા લોકોની ઓળખ મેળવી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોનુસાર ટોળાએ અહીંની ત્રણ ઇમારતોમાં જબરજસ્તીથી પ્રવેશ કરી ૪૦૦ ફ્લેટોના તાળા તોડી નાંખ્યા હતા અને આ ફ્લેટોનો ગેરકાયદે કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ સંદર્ભે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અહીંના ગામવાસીઓએ શરૃઆતથી જ મ્હાડાના કોકણ આવાસ- વિકાસ બોર્ડ દ્વારા બનાવવામાં આવતા પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વિરોધ કર્યો હતો. આ સાથે જ ગામવાસીઓએ સતત આ હાઉસિંગ પ્રોજેક્ટના કામમાં અડચણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સંદર્ભે આ અધિકારીએ જણાવ્યું હતું કે ગામવાસીઓનો દાવો છ ેકે આ હાઉસિંગ પ્રોજેક્ટ તેમની જમીન પર અતિક્રમણ કરી રહ્યો છે. આ સાથે જ ગામવાસીઓએ એવો પણ આરોપ કર્યો હતો કે ડેવલપરે સંબંધિત જમીન પરના મહત્વપૂર્ણ સ્થળોને પણ નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે.
ભૂતકાળમાં ગામવાસીઓએ આ પ્રોજેક્ટનો વિરોધ કરી ઠેર-ઠેર બનેરો લગાવ્યા હતા. આ સાથે જ તેમણે ૭ નવેમ્બરના આ પ્રોજેક્ટમાં જબરજસ્તી પ્રવેશ કરશે અને જગ્યાનો કબજો મેળવશે તેવી ઘોષણા પણ કરી હતી. આ ઘટના બાદ હજી સુધી આ આ મામલે કોઇની ધરપકડ કરવામાં આવી છે.