હુમલાખોર આક્રમક બની ગયો હતો, દાગીનાને અડયો પણ નહિઃ કરીના
હુમલા સંદર્ભમાં કરીનાએ પોલીસને સ્ટેટમેન્ટ આપ્યું
સૈફ સંતાનોને બચાવવા જતાં હુમલાનો ભોગ બન્યો, પોતે બહુ ગભરાઈ ગઈ હોવાથી કરિશ્માના ઘરે જતી રહી હોવાની કરીનાની કેફિયત
મુંબઈ - સૈફ અલી ખાન પર થયેલા હુમલા સંદર્ભમાં કરીના કપૂરે પોલીસને એવું નિવેદન આપ્યું હોવાનું કહેવાય છે કે બનાવ વખતે હુમલાખોર બહુ જ આક્રમક બની ગયો હતો. જોકે, તેણે સામે ખુલ્લામાં જ દાગીનાં પડયાં હોવા છતાં પણ તેને હાથ લગાડયો ન હતો.
આ નિવેદન અનુસાર કરીના બનાવ વખતે ઘરમાં જ હતી. તેણે કહ્યું હતું કે એટેક થયો તે પછી ઘરમાં હાજર મહિલાઓ તથા બાળકોને ૧૨મા માળ પર મોકલી દેવામાં આવ્યાં હતાં. સૈફએ બાળકોને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. સૈફ વચ્ચે આવી જતાં હુમલાખોર જહાંગીર સુધી પહોંચી શક્યો ન હતો.
કરીનાએ જણાવ્યું છે કે હુમલાખોરે ઘરમાંથી કોઈ વસ્તુ ઉઠાવી ન હતી. તે બહુ આક્રમક બની ગયો હતો. તેણે એકદમ ઝનૂનપૂર્વક રીતે સૈફ પર વાર કર્યા હતા. આથી હું બહુ ડરી ગઈ હતી. તેના કારણે કરિશ્મા મને પોતાને ઘરે લઈ ગઈ હતી.
કરીનાના નિવેદન અનુસાર આયાની ચીસો સાંભળને તે અને સૈફ બાળકોના રુમ તરફ દોડયા હતા. એ જ રુમમાં બાળકો સૂતાં હોવાથી તે અને સૈફ ભારે ચિંતિત બની ગયાં હતાં. હુમલાખોરે આયા લીમાને છરી બતાવીને ધમકી આપી હતી અને એક કરોડ રુપિયાની માગણી કરી હતી. ઘરમાં કોઈ અજાણ્યા હુમલાખોરને આમ છરી તાકીને ઊભો રહેલો જોઈને કરીના પોતે બહુ જ ગભરાઈ ગઈ હતી. જોકે, સૈફ અલી ખાને તરત જ બાજી સંભાળી લીધી હતી અને હુમલાખોરનો પ્રતિકાર કર્યો હતો.
બનાવ અંગે પોલીસે હજુ સૈફનું નિવેદન લીધું નથી. તે થોડો સ્વસ્થ થાય તે પછી પોલીસ તેનું નિવેદન મેળવે તેવી સંભાવના છે.