બોરીવલીના ગેસ્ટહાઉસમાં એટીએસના દરોડાઃ છ લૂંટારા ઝડપાયા
- આતંકી હોવાનું માની પહોંચેલી એટીએસને રીઢા ગુનેગારો મળ્યા
- દિલ્હી-યુપીથી મુંબઈમાં કોઈ મોટી લૂંટ કરવા આવ્યા હતાઃ દેશી રિવોલ્વર, પિસ્તોલ સહિતનાં શસ્ત્રો અને વાહનો જપ્તઃ
મુંબઈ : મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) એ રવિવારેે બોરીવલીના એક ગેસ્ટહાઉસ પર દરોડા પાડીને આંતરરાજ્ય ગેંગના છ આરોપીની ધરપકડ કરી હતી.તેમની પાસેથી દેશી બનાવટના શ†ો અને દારૃગોળો જપ્ત કરવામાં આવ્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું કે આરોપીઓ નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશના વતની છે.તેઓ કથિત રીતે શહેરમાં લૂંટનું કાવતરું ઘડયું હતું.
એટીએસની એક ટીમે બોરીવલી રેલ્વે સ્ટેશન નજીક ઈલોરા ગેસ્ટહાઉસ પર માહિતીના આધારે દરોડો પાડયો હતો અને આજે સવારે આરોપીઓને ઝડપી લીધા હતા.
અધિકારીએ વધુમાં કહ્યું હતું કે ટીમે આરોપીઓ પાસેથી દેશી બનાવટની રિવોલ્વર, બે પિસ્તોલ, ચાર મેગેઝીન,૨૯ ગોળીઓ, એક ચાકુ, એક કાર અને અન્ય સામગ્રી જપ્ત કરી છે.
આરોપીઓમાંથી એક શાદત હુસૈન ઉર્ફે કલ્લુ રહેમત હુસૈનની અગાઉ હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.હાલમાં જ તે જેલમાંથી બહાર આવ્યો હતો.જ્યારે આરોપી અસલમ શબ્બીર અલી ખાનના નામ પર ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
આ ટોળકીના અન્ય આરોપીમાં નવી દિલ્હીના નદીમ યુનુસ અંસારી,ઉત્તર પ્રદેશના રિઝવાન અબ્દુલ લતીફ, નૌશાદ અનવર અને આદિલ ખાનનો સમાવેશ છે,એમ અધિકારીએ જણાવ્યું હતું.
આરોપીઓને વધુ તપાસ માટે કસ્તુરબા માર્ગ પોલીસને સોંપવામાં આવ્યા છે
આ ગેંગ ક્યાં લૂંટ કરવાની હતી એની માહિતી પોલીસ મેળવી રહી છે.