ડોમ્બિવલીના ડે-કેર સેન્ટરમાં માસુમ બાળકો ઉપર અત્યાચાર
વિડિયો વાઈરલ થતા વાલીઓનો રોષ ફાટી નીકળ્યો
ભૂલકાઓ હેરાન ન કરે માટે ખુરશી સાથે બાંધી રખાતાઃ સેન્ટરના માલિક અને સ્ટાફ સામે ગુનો નોંધાયો
મુંબઈ : ડોમ્બિવલીના એક ડે-કેર સેન્ટરમાં નાના બાળકો સાથે દુર્વ્યવહાર થતો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ ભારે ઉહાપોહ થયા બાદ ડોમ્બિવલી પોલીસે ડે-કેર સેન્ટરના ચાલક અને સ્ટાફ સામે ગુનો નોંધી આ પ્રકરણે વધુ તપાસ આદરી છે. ડે-કેર સેન્ટરમાં નાના ભૂલકાઓ હેરાન ન કરે તે માટે ખુરશીથી તેમને બાંધી રાખવામાં આવતા અને તેમને મારવામાં પણ આવતા હતા.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર ડોમ્બિવલીના ફડકે રોડ પર નાના બાળકોની સંભાળ રાખવા હેપ્પી કિડ્સ ડે-કેર સેન્ટર ખોલવામાં આવ્યું હતું. થોડા સમય પહેલાં આ ડે-કેર સેન્ટરમાં બાળકો સાથે દુર્વ્યવહાર થતો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં સેન્ટરની એક મહિલા કર્મચારી એક નાના ભૂલકાને ખુરશીથી બંધી રાખી તેને મારી રહી હોવાનું જણાયું હતું. એવું પણ કહેવાય છે કે નાના બાળકોને ઉંધા લટકાવી ધમકાવવામાં આવતા હતા.
બાળકોને આ ડે-કેર સેન્ટરમાં માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. અંતે આ પ્રકરણે ડોમ્બિવલીના શિવસેના (ઉધ્ધવ જૂથ)ના જિલ્લા સંગઠક કવિતા ગાવંડેની ફરિયાદના આધારે સેન્ટરના માલિક ગણેશ પ્રભુણે, આરતી પ્રભુણે અને રાધા નાખરે નામની મહિલા કર્મચારી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ સંદર્ભે પોલીસ સૂત્રોનુસાર ડોમ્બિવલી (ઈ)માં રહેતા મંદાર ઉગલે અને તેમની પત્ની બન્ને નોકરી કરે છે તેથી તેમણે તેમની ત્રણ વર્ષની પુત્રીની સારસંભાળ યોગ્ય રીતે લેવાય તેવા આશયથી તેને હેપ્પી કિડ્સ ડે-કેર સેન્ટરમાં રાખી હતી. અહીં સેન્ટરના માલિક ગણેશ તેની પત્ની આરતી અને મહિલા કર્મચારી રાધા બાળકોની દેખરેખ રાખવાનું કામ કરતા હતા, ઉગલેની પુત્રી સહિત લગભગ ૨૦થી ૨૨ બાળકો આ ડે-કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. અહીં સેન્ટરના સંચાલક અને કર્મચારી નાના બાળકો સાથે દુર્વ્યવહાર કરતા હોવાની ફરિયાદ શરૃ થઈ હતી. આ દરમિયાન અહીં સાધના સામંત નામના એક મહિલા કામ કરતા સાત વર્ષ જૂના આ ડે-કેર સેન્ટરમાં જોડાયા હતા. તેમણે અહીં ડે-કેર સેન્ટરમાં થતી બાળકોની સતામણી નજરે જોઈ હતી અને તેમને આંચકો લાગ્યો હતો. તેમણે શરૃઆતમાં આ બાબતનો વિરોધ કર્યો હતો પણ કોઈએ તેમના તરફ ધ્યાન આપ્યું નહોતું.
સાધના સામંતે અંતે બાળકોની સતામણીનો વીડિયો બનાવ્યો હતો અને ઉધ્ધવ ઠાકરે જૂથના કવિતા ગાવંડને બનાવ્યો હતો. ગાવંડે ત્યારબાદ તમામ વાલીઓને ફોન કરી સેન્ટરની વાસ્તવિકતા જણાવી ડોમ્બિવલીના રામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે શરૃઆતમાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટીમાં ફરિયાદ કરવા જણાવ્યું હતું અને વાત ટાળી દીધી હતી. તેથી આ લોકોએ ડોમ્બિવલી વિભાગના એસીપી સુનિલ કુરાડે સમક્ષ રજૂઆત કરતા તેમણે ગુનો નોંધી લેવાની સૂચના આપ્યા બાદ આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.