Get The App

મુંબઇમાં માહોલ ખુશનુમા ઃ મહારાષ્ટ્રમાં અનેક જિલ્લામાં માવઠા - કરાનો યલો એલર્ટ

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
મુંબઇમાં  માહોલ ખુશનુમા ઃ મહારાષ્ટ્રમાં અનેક જિલ્લામાં માવઠા - કરાનો  યલો એલર્ટ 1 - image


મુંબઈમાં ઠંડા પવનોના કારણે તાપમાનમાં ઘટાડો

ગિરિ મથકો મહાબળેશ્વર ઠંડીનો પારો 14.6, માથેરાન – 16.0, જેઉર-15.0, નાશિક-15, ધારાશિવ-15.2 ડિગ્રી

મુંબઇ :   મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રના હવામાનમાં ચિંતાજનક ફેરફાર  થઇ રહ્યા છે. મુંબઇમાં  એકાદ સપ્તાહ  ઠંડો માહોલ હોય તો બીજા અઠવાડિયે વાતાવરણ હોટ  હોય. આકાશ અચાનક વાદળછાયું થઇ જાય. તો મહારાષ્ટ્રનાં અમુક સ્થળોએ મેઘગર્જના, વીજળીના ચમકારા સાથે માવઠું પણ થાય.હવામાન વિભાગે એવી માહિતી આપી હતી કે કોલાબામાં ગઇકાલ(૨૯.૦ ડિગ્રી)ની સરખામણીએ આજે મહત્તમ તાપમાન(૨૭.૫)માં ૧.૫ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ગઇકાલની સરખામણીએ(૨૨.૦ ડિગ્રી) લઘુત્તમ તાપમાનમાં પણ ૧.૫ ડિગ્રીનો વધારો નોંધાયો હતો.

આજે  કોલાબામાં મહત્તમ તાપમાન ૨૭.૫ અને લઘુત્તમ તાપમાન ૨૦.૫ ડિગ્રી , જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૨૯.૦ અને લઘુત્તમ તાપમાન ૧૯.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું  હતું.  આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૭૧ --૬૧ ટકા, જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૮૭ --૫૮ ટકા જેટલું વધુ રહ્યું હતું. 

હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ  સુનીલ કાંબળેએ ગુજરાત સમાાચારને  એવો વરતારો આપ્યો હતો કે ૨૬,૨૭,૨૮ -- ડિસેમ્બર દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર (ધુળે,નંદુરબાર,જળગાંવ,નાશિક, અહિલ્યાનગર, પુણે (ઘાટ-- યલો એલર્ટ), મરાઠવાડા (છત્રપતિ સંભાજીનગર,જાલના,પરભણી,બીડ-- યલો એલર્ટ) વિદર્ભ   (અકોલા,અમરાવતી,ભંડારા,બુલઢાણા-- યલો એલર્ટ)માં  મેઘગર્જના,  વીજળીના કડાકા,તીવ્ર પવન સાથે હળવી-મધ્યમ વર્ષા થાય તેવાં કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે. સાથોસાથ વિદર્ભનાં અમુક સ્થળોએ  અમુક સ્થળોએ કરા પડવાની પણ શક્યતા ખરી. 

હાલ મુંબઇ અને મહારાષ્ટ્ર પર ઉત્તર -પૂર્વ(ઇશાન) ના પવનો વાતાવરણના નીચેના પટ્ટામાં ફૂંકાઇ રહ્યા છે. સાથોસાથ, વાતાવરણના ઉપરના પટ્ટામાં બે વિરુદ્ધ દિશાના પવનોની ટક્કર પણ થઇ રહી છે.  ઉપરાંત, હાલ બંગાળના ઉપસાગરના નૈઋત્ય અને નજીકના પશ્ચિમ- મધ્ય હિસ્સામાં હવાના હળવા દબાણનું કેન્દ્ર(લો -પ્રેશર) સર્જાયું છે. આ પરિબળની તીવ્ર અસરથી ભેજનો વિપુલ જથ્થો મુંબઇ --મહારાષ્ટ્ર પર ઠલવાઇ રહ્યો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે એટલે સ્વાભાવિક રીતે જ વાદળો બનવાની પ્રક્રિયા પણ થાય. પરિણામે છેલ્લા બે દિવસથી મુંબઇનું આકાશ વાદળછાયું રહે છે. 

બદલાયેલાં આ તમામ કુદરતી પરિબળોની વ્યાપક અસરથી આવતા ત્રણ દિવસ મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ સાથે કરા પડવાની સંભાવના છે. 

આજે મહારાષ્ટ્રનાં ગિરિ મથકો મહાબળેશ્વરમાં ઠંડીનો પારો ૧૪.૬ , માથેરાન-૧૬.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. જેઉર -૧૫, નાશિક-૧૫.૦, ધારાશિવ-૧૫.૨ ડિગ્રી સેલ્સિયસ  નોંધાયો હતો.



Google NewsGoogle News