વિરારમાં રાતના 3 વાગ્યાથી સતત 5 કલાક એટીએમનું એલાર્મ વાગ્યું
સ્થાનિક રહીશોની નિંદર વેરણ થઈ ગઈ
બેન્ક કે પોલીસ કર્મચારીઓએ એલાર્મ વાગવા છતાં તપાસ માટે આવવાની તસ્દી ન લીધી
મુંબઈ : વિરારમાં કેનેરા બેન્કના એટીએમમાં ગુરુવારે સવારે સિક્યોરિટી એલાર્મ અચાનક વાગતાં હંગામો મચી ગયો હતો. આ એલાર્મ લગભગ પાંચ કલાક સુધી ચાલુ રહેતાં સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.
આટલા લાંબા સમય સુધી એલાર્મ ચાલુ હોવા છતાં બેન્ક અને પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ કરવાની તસ્દી દાખવી ન હોવાથી નાગરિકોએ રોષ વ્યક્ત કર્યો હતો.જો કે આ એલાર્મ સતત પાંચ કલાક ચાલુ રહેતાં લોકોએ એને કેવી રીતે બંધ કરવો એ માટે પરેશાન થઈ ગયા હતા.
વિરાર-ઈસ્ટના ફુલપાડા વિસ્તારમાં આવેલાં ગાંધી ચૌકમાં રામચંદ્ર અપાર્ટમેન્ટમાં કેનેરા બેન્કનું એટીએમ આવેલું છે. આ એટીએમ સેન્ટરની બહાર કોઈ સુરક્ષા ગાર્ડ નથી. ગુરુવારે મોડી રાતે લગભગ ત્રણ વાગ્યાના સુમારે અચાનક એટીએમ સેન્ટરનું સિક્યોરિટીનું એલાર્મ વાગવા લાગ્યું હતું.જેનો અવાજ ખૂબ વધુ હોવાથી આખા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. શરૃઆતમાં, જ્યારે એલાર્મ વાગ્યું, ત્યારે સ્થાનિકોએ વિચાર્યું કે એટીએમ સેન્ટરમાં કંઈક અપ્રિય બન્યું છે એથી સ્થાનિક નાગરિકો ડરી ગયા હતા. પરંતુ, લાંબા સમય સુધી એલાર્મ વાગતું જ રહયું હતું. આ એલાર્મ બંધ ન હોવાથી તેના કર્કશ અવાજે સ્થાનિકોની ઊંઘમાં ખલેલ પહોંચાડી હતી. સવારે ૩ વાગ્યાથી સવાર પડી ગયા પછી પાંચ કલાક સુધી આ એલાર્મ વાગતું રહયું હતું. જેથી નાગરિકો ધીરે-ધીરે કરીને ત્યાં જમા થયા હતા.
એલાર્મશા માટે સતત વાગી રહ્યું હતું તેની તપાસ માટે બેન્ક કે પોલીસમાંથી કોઈ આવ્યું ન હતું. આ અંગે સ્થાનિકોએ પોલીસને પણ જાણ કરી હતી. પરંતુ, પોલીસ ઘટનાસ્થળે ન આવી હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી હતી. સતત ૫ કલાક સુધી રણકતા આ એલાર્મના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે તેના અવાજને કારણે અમારે હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે બેન્ક એલાર્મની ટેકનિકલ ખામીને સુધારવામાં આવે અને જરૃરી સુરક્ષા પગલાં લેવામાં આવે.
જો કે, પોલીસના કહેવા પ્રમાણે આવી ઘટનાનો કોઈ રેકોર્ડ નથી. વિરાર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સોનવલકરે જણાવ્યું કે, અમને બેન્ક તરફથી કોઈ પ્રકારની ફરિયાદ મળી નથી. જે એટીએમ સેન્ટરોમાં સુરક્ષા ગાર્ડ નથી ત્યાં સુરક્ષા માટે ઓટોમેટેડ એલાર્મ લગાવવામાં આવ્યા છે. જો બે કરતાં વધુ ગ્રાહકો એટીએમસેન્ટરમાં પ્રવેશ કરે તો સેન્સર આ એલાર્મને ટ્રિગર કરે છે. જ્યારે આ બેન્કના ઉત્તર વિભાગના મેનેજર અભિલાષ મિશ્રાના કહેવા પ્રમાણે, ગુરુવારે આટલા લાંબા સમય સુધી એલાર્મ કેમ વાગી રહયું હતું, તેની માહિતી બેન્કની સ્થાનિક શાખામાંથી લેવામાં આવશે.