મુંબઈ એરપોર્ટ પર રૂ. 9.75 કરોડના કોકેન સાથે બ્રાઝિલિયનની ધરપકડ
ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સનું ઓપરેશન
૯૭૫ ગ્રામ કોકેન ભરેલી ૧૧૦ કેપ્સ્યુલ ગળી ગયો
મુંબઇ: મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ એક મોટી કાર્યવાહીમાં રૂ. ૯.૭૫ કરોડનો કોકેનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ મામલામાં બ્રાઝિલના એક પેસેન્જરની ધરપકડ કરવામાં આવીહતી. આ વિદેશી નાગરિક ૯૭૫ ગ્રામ ભરેલી ૧૧૦ કેપ્સ્યુલ ગળી ગયો હતો. આ ડ્રગનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
હાલમાં એરપોર્ટમાં આઇવરી કોસ્ટથી આવેલા એક પ્રવાસી પાસેથી ડીઆરઆઇના અધિકારીઓને ૧૫ કરોડનું કોકેન ભરેલી ૭૭ કેપ્સ્યુલ મળી હતી. તે પણ આ કેપ્સ્યુલ ગળી ગયો હતો.
બ્રાઝિલની એક વ્યક્તિ નશીલો પદાર્થ લઈને મુંબઈ એરપોર્ટ પર આવી રહ્યો હોવાની માહિતી મુંબઈ ઝોનના ડીઆરઆઇના અધિકારીઓને મળી હતી.
તેમણે આ પ્રવાસીને પકડીને પૂછપરછ કરી હતી. દરમિયાન તેણે કોકેનની દાણચોરીનો ગુનો કબૂલ કર્યો હતો. બેગમાં કોકેન સંતાડવામાં આવ્યું નહોતું, પરંતુ તે કોકેન ભરેલી કેપ્સ્યુુલ ગળી ગયો હતો.
આથી વિદેશી પ્રવાસીને પકડીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં મેજિસ્ટ્રેટે તેને જેજે હોસ્પિટલમાં દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. ડોક્ટરોએ ગઈ કાલે તેના શરીરમાંથી રૂ. ૯.૭૫ કરોડની કિંમતના ૯૭૫ ગ્રામ કોકેન ભરેલી ૧૧૦ કેપ્સ્યુલ બહાર કાઢી હતી.
નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટની વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. આરોપી આ કોકેન કોને આપવાનો હતો એની તપાસ ચાલી રહી છે.