વાળ સમારવા જેસીબી વાપરે છે કે શું એમ કહેવું એ જાતીય સતામણી નથી
બેન્કના કર્મચારી સામેનો જાતીય સતામણીનો કેસ હાઈકોર્ટે રદ કર્યો
બેન્કના ટ્રેનિંગ સેશનમાં મહિલા વારંવાર વાળ સમારતી હોવાથી પુરુષ સહકર્મીએ કરેલી ટિપ્પણીનો કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો
મુંબઈ - મહિલા સહકર્મીને વાળ સંભાળવા જેસીબીનો ઉપયોગ કરતી હોઈશ એમ કહેવું અને તેના વાળ સંબંધે યે રેશ્મી ઝુલ્ફે...ગીત ગાવું એ જાતીય સતામણી ગણી શકાય નહીં એમ બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં ચુકાદો આપીને એચડીએફસી બેન્કના કર્મચારી સામે પ્રિવેન્શન ઓફ સેક્સુઅલ હરેસમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલો કેસ રદબાતલ કર્યો હતો.
ન્યા. સંદીપ મારણેએ જણાવ્યું હતું કે અરજદાર વિન્દો કાચવનું કૃત્ય જાતીય સતામણી ગણવું મુશ્કેલ છે. ઘટનાનો સવાલ છે ત્યાં સુધી માત્ર અરજદારે ફરિયાદીના વાળની લંબાઈ અને જથ્થા સંબંધે ટિપ્પણી જ કરી કહેવાય. આવી ટિપ્પણી જાતીય સતામણી કરવાના ઈરાદે કરાઈ હોવાનું માનવું મુશ્કેલ છે. ફરિયાદીએ પોતે પણ ટિપ્પણી કરી ત્યારે જાતીય સતામણી તરીકે ગણી નહોવાનું કોર્ટે ૧૮ માર્ચના ચુકાદામાં નોંધ્યું હતું.
અરજદારના જણાવ્યા અનુસાર ૧૧ જૂન ૨૦૨૨ના રોજ યોજાયેલા ટ્રેઈનિંગ સેશન દરમ્યાન ફરિયાદી વારંવાર પોતાના વાળ સરખા કરતી હોવાનું પોતે નોંધ્યું હતું અને તે લાંબા વાળથી અસ્વસ્થ જણાતી હતી. આથી અરજદારે હળવાશથી ફરિયાદીને જણાવ્યું હતું કે વાળ સરખા કરવા તમારે જેસીબીનો ઉપયોગ કરવો પડતો હશે અને તેને સારું લાગે એ માટે 'યે રેશમી ઝુલ્ફે' ગીતની કેટલીક કડી ગાઈ હતી.
ટિપ્પણી કરવા પાછળનો ઈરાદે ફરિયાદીને તેના વાળ બાંધી રાખવાનું કહેવાનો હતો કેમ કે તેને લીધે અરજદાર નહીં પણ સેશનમાં સામેલ અન્યોને પણ ખલેલ પડતી હતી. અરજદારે સેશન શરૃ કરવા પૂર્વે સ્પષ્ટ રીતે બધાને જણાવ્યું હતું કે વાતાવરણ હળવું કરવા પોતે મજાક કરી રહ્યો છે.
૧૧ જૂન ૨૦૨૨ બાદ અરજદાર અને ફરિયાદી વચ્ચેની વ્હોટસ એપ પરની વાતચીત દર્શાવે છે કે અરજદાર ફરિયાદીને તેની કામગીરી વિશે પ્રોત્સાહિત કરતો હતો અને ફરિયાદીએ આભાર માન્યો હતો, એમ પણ કોર્ટે નોંધ કરી હતી. આથી આરોપ પુરવારથયાનું સ્વીકારીએ તો પણ અરજદારે જાતીય સતામણીનું કૃત્ય કર્યાનું કહી શકાય નહીં.
બીજા ટ્રેનિંગ સેશનમાં પચ્ચીસમી જૂન, ૨૦૨૨ના રોજ અરજદાર અન્ય પુરુષ સહકર્મીને ફોન પર વાત કરતાં જોઈને પૂછ્યું હતું કે ગર્લફ્રેન્ડ સાથે વાત કરે છે? જેનો જવાબ સહકર્મીએ નકારમાં અપાતાં અરજદારે તેને જણાવ્યું હતું કે 'કેમ તારું મશીન ખરાબ છે?' આવી ટિપ્પણીથી પણ ફરિયાદીને અસહજ અનુભવ થયો હતો અને આથી આ ઘટના પણ તેણે જાતીય સતામણી તરીકે ટાંકી હતી. જોકે કોર્ટે આ બાબતને એ રીતે ગણવાનો ઈનકાર કર્યો હતો.
ટિપ્પણી કરાઈ ત્યારે ફરિયાદી હાજર હોવાના સંકેત આરોપમાં મળતા નથી. ટિપ્પણી ફરિયાદીને અનુલક્ષીને નહોતી. બીજી ઘટનામાં થયેલી બંને ટિપ્પણી પુરુષ સહકર્મી સામે હતી.આથી બીજી ઘટના ફરિયાદીને અગંત રીતે જાતીય સતામણી કરવામાં આવી હોવાનું માનવું મુશ્કેલ છે, એમ જજે જણાવ્યું હતું. આ નિરીક્ષણ સાથે કોર્ટે અરજદાર સામેનો ઈન્ટર્નલ કમ્પ્લેન્ટ કમિટી અહેવાલ રજ કર્યો હતો.