ભિવંડીના આશ્રમસંચાલકે અઢી વર્ષની બાળકીને ડામ આપ્યા
દાદીએ પેટ, પીઠ, કાન, આંખ પર ડાઘ જોયા બાદ કિસ્સો બહાર આવ્યો
બાળકીના માતા-પિતા ભીખ માગી ગુજરાન ચલાવતાં હોવાથી બાળકીને આશ્રમમાં મૂકી ગયાં હતાં
મુંબઇ -મહારાષ્ટ્રમાં યુવતી અને મહિલાઓ સામેના ગુનામાં સતત વધારો નોંધાઇ રહ્યો છેે. હવે ેભિવંડીના એક આશ્રમમાં આશ્રમના સંચાલકે એક અઢી વર્ષની બાળકી કથિત રીતે ડામ આપતા આ બાબતે ભિવંડીના ભોઇવાડા પોલીસ સ્ટેશનમાં આશ્રમના સંચાલક સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસમાં આ બાબતની ફરિયાદ બાળકીની દાદીએ કર્યા બાદ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર થાણે જિલ્લાના ભિવંડીમાં આવેલ એક ખાનગી આશ્રમમાં અઢી વર્ષની આ બાળકી રહેતી હતી. તેના માતા-પિતા ભીખ માગી ગુજરાન ચલાવતા હોવાથી બાળકીને આ આશ્રમમાં રાખવામાં આવી હતી.
બાળકીની દાદી તાજેતરમાં આ આશ્રમમાં તેને મળવા આવી ત્યારે તેણે નોંધ્યું હતું કે તેના પેટ, પીઠ, કાનની પાછળ અને આંખો પાસે કથિત ડામ દેવામાં આવ્યા છે. બાળકીની આવી હાલત જોઇ તેની દાદી ચોંકી ઉઠી હતી બાળકીને ડામ આપવાની આ ઘટના મે અને જુલાઇ મહિના વચ્ચે આચરવામાં આવી હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ બાળકીની દાદીએ આશ્રમના સંચાલક દત્તા ગૌસમુદ્દે સામે ભિવંડીના ભોઇવાડા પોલીસમાં ફરિયાદ કરી હતી. દાદીની ફરિયાદના આધારે ભોઇવાડા પોલીસે પ્રથમ બાળકીને સરકારી હોસ્પિટલમાં તપાસ માટે મોકલી હતી જ્યાં ડૉકટરોએ પુષ્ટિ કરી હતી કે બાળાને કોઇ ગરમ વસ્તુની મદદથી ડામ આપવામાં આવ્યા છે.
આ પ્રકારની વાત તપાસમાં બહાર આવ્યા બાદ ગુરૃવારે ભોઇવાડા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૮ (૧) હેઠળ સ્વૈચ્છિક રીતે ઇજા પહોંચાડવા બદલ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગૌસમુદ્રે સામે ગુનો નોંધ્યો હતો. આ બાબતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવી માહિતી વરિષ્ઠ પોલીસ નિરીક્ષક અજય આફલેએ આપી હતી.