હવાલા વ્યવહારોમાં 'ટોકન' તરીકે રૃ. 2 હજારની નોટોનો ઉપયોગ
સેન્ટ્રલ ઇકોનોમિક્સ ઇન્ટેલિજન્સ બ્યૂરાએ ચેતવણી જારી કરી
હવાલા ઓપરેટરોની નવી ટેકનિકઃ 10 લાખની ડિલિવરી સામે ટોકન તરીકે 2 હજારની 2 નોટ અપાય છે
મુંબઇ : સેન્ટ્રલ ઇકોનોમિક્સ ઇન્ટેલિજન્સ બ્યૂરો (સીઇઆઇબી)એ કાયદાનું અમલીકરણ કરતી એજન્સીઓને એવી ચેતવણી આપી છે કે ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવેલી રૃ. બે હજારની નોટો હવાલા ઓપરેટરો દ્વારા ગેરકાયદે નાણા ટ્રાન્સફરની સુવિધા માટે ટોકન તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. નાળા નાણાંના ધંધામાં રોકડ વ્યવહારો માટે સમાંતર બેન્કિંગ સિસ્ટમ ચલાવતા હવાલા ઓપરેટરોએ બે હજારની નોટને રૃ. પાંચ લાખની રોકડની સમકક્ષ ટોકન તરીકે વાપરવાનું શરૃ કર્યું છે.
આ સમગ્ર બાબતે એક અધિકારીએ જણાવ્યું હતું કે રોલબેક કરાયેલી બે હજાર રૃપિયાની નોટો ગેરકાયદે હવાલના વેપારના વ્યવહારોમાં 'ટોકન' તરીકે વાપરવામાં આવી રહી છે જે ભારતની આર્થિક સુરક્ષાને જોખમમાં મૂકી રહી છે. ં દક્ષિણના પુડુચેરી અને કાસરગોડમાંથી રૃ. ૫૦૦ની ૨૦ હજાર ચલણી નોટોને હવાલા વ્યવહાર પૂર્ણ કરવા મેંગલુરુથી કોચી સુધી રસ્તા માર્ગે પહોંચાડાઈ હોવાનું પકડાયું ત્યારે આ ખુલાસો થયો હતો.
હવાલા ઓપરેટરોએ ચેકપોઇન્ટ પર પોલીસથી બચવા અને પકડાઈ જવાના જોખમને દૂર કરવા આ નવીન ટોકન સિસ્ટમ વિકસાવી છે. જ્યારે નોટોના સિરિયલ નંબર રિસિવર સાથે મેળ ખાતા હોય ત્યારે કુરિયરને રૃ. ૧૦ લાખની સુરક્ષિત ડિલિવરી સામે રૃ. બે હજારની બે નોટ આપવામાં આવે છે. કુરિયરને અંતિમ સ્થળ સુધી વધુ ડિલિવરી માટે નોટોના 'ટોકન' મૂલ્યની બરાબર રોકડ આપવામાં આવે છે. આ પ્રકારની વ્યવસ્થાથી મોટી માત્રામાં ચલણી નોટોના રોકડના વહનમાં સામેલ જોખમ દૂર થાય છે.