Get The App

મુંબઈ- નવી મુંબઈની માર્કેટોમાં શાકભાજીની આવક ઘટતા ભાવ ઉંચે જવા માંડયા

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
મુંબઈ- નવી મુંબઈની માર્કેટોમાં શાકભાજીની આવક ઘટતા ભાવ ઉંચે જવા માંડયા 1 - image


વિદાય ટાણે વરસાદનો કહેર

ચોળી અને ગુવાર 120 રૃપિયે અને પરવળ 200 રૃપિયે કિલો

મુંબઈ :  મુંબઈ સહિત મહારાષ્ટ્રમાંથી ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે જ અનેક વિસ્તારોમાં પડી રહેલાં મુશળધાર વરસાદે લીલા શાકભાજીને ખૂબ નુકસાન પહોંચાડાયું છે. આને લીધે શ્રાધ્ધ પક્ષમાં મોંઘા થયેલા શાકના ભાવ હજી વધવાની શક્યતા છે.

મુંબઈમાં અનેક માર્કેટોમાં પાણી ભરાવાને કારણે શાકભાજી ભીના થઈ ગયા હતા. જ્યારે બીજી તરફ પુણે, નારાયણગાંવ, નાસિક અને પાલઘર સહિતના શાક- ઉત્પાદક વિસ્તારોમાં છેલ્લાં ચાર- પાંચ દિવસથી પડી રહેલા જોરદાર વરસાદને લીધે શાકભાજી ભીના થવાથી સડી ગયા છે. પરિણામે ઘણી જગ્યાએ શાક અને ટમેટા ફેંકી દેવા પડયા છે. માર્કેટોમાં આવનારા દિવસોમાં શાકની આવક ઘટવાને લીધે ભાવ હજી ઊંચા જવાની શક્યતા છે.

નવી મુંબઈની જથ્થાબંધ ભાજીપાલા માર્કેટમાં બધા શાક ૯૦થી ૧૦૦ રૃપિયે કિલો વેંચાય છે. આજ શાકભાજી રિટેલરો અનેકગણો નફો ચડાવી બમણાં કે દોઢા ભાવે વેંચે છે. ચોળી અને ગુવાર ૧૨૦ રૃપિયે કિલો અને પરવળ ૨૦૦ રૃપિયો કિલો વેંચાય છે. ભાજીની વાત કરીએ તો મેથીની જૂડીના ૩૦ રૃપિયા, પાલકના ૪૦રૃપિયા, શેપૂની જૂડીના ૨૫ રૃપિયા અને કોથમીરની જૂડીના ૮૦ રૃપિયા બોલાય છે. સરગવાની શિંગ ૧૨૦ રૃપિયો કિલો વેંચાય છે.

નવી મુંબઈ માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું કે રાજ્યના અનેક વિસ્તારોમાં પડી રહેલા વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. વરસાદમાં ખેતરમાંથી શાક કાઢવાની અને ટ્રાન્સપોર્ટમાં બહાર મોકલવાની તકલીફ થઈ રહી છે. પરિણામે જુદા જુદા જિલ્લામાંથી મુંબઈ આવતા શાકનું પ્રમાણ ઘટવાથી અને સામે વધુ માંગને કારણે ભાવ વધવા માંડયા છે.



Google NewsGoogle News