નવરાત્રિ શરુ થતાં જ ફૂલબજારમાં પણ તેજી

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
નવરાત્રિ શરુ થતાં જ ફૂલબજારમાં પણ તેજી 1 - image


અનેક ફૂલોના ભાવ બમણા થઈ ગયા

ગલગોટાની કિંમત 30 રૃપિયાથી વધી 100 રૃપિયે કિલો પર પહોંચી

મુંબઇ :  શ્રાદ્ધ-પક્ષમાં મુંબઇની ફૂલબજારમાં મંદી જોવા મળતી હતી પણ નવરાત્રિ શરૃ થતાની સાથે જ તેજી આવી ગઇ છે.નોરતામાં ભક્તિ- ભાવ સાથે ફૂલોના ભાવમાં પણ ગજબનો વધારો થયો છે.

ગયા અઠવાડિયે દાદરની મોટામાં મોટી ફૂલ બજારમાં ગલગોટાના ફૂલ ૨૫થી ૩૦ રૃપિયે કિલો વેંચાતા હતા. પણ રવિવારે પહેલે નોરતેથી ગલગોટાનો ભાવ ૮૦થી ૧૦૦ રૃપિયા સુધી પહોંચી ગયો છે.

નવરાત્રિમાં માતાજીને રોજ ફૂલોની માળા પહેરાવવામાં આવે છે. એટલે ઘરે સ્થાપના કરી હોય  એ બધા તેમજ સાર્વજનિક નવરાત્રિ- ઉત્સવ મંડળવાળા ગલગોટાના અને બીજા તાજા ફૂલો લેવા સવારમાં દાદરની ફૂલ બજારમાં ધસારો કરે છે. એટલે ગલગોટાની જેમ ગુલાબ, નિશિગંધ, કમળ અને ગુલાબ વગેરે જાત જાતના રંગબેરંગી અને ખુશ્બુદાર ફૂલોના ભાવ પણ બમણાં થઇ ગયા છે. આ ફૂલોની વધુમાં વધુ ડિમાન્ડ છે.

દાદર સ્ટેશન પાસેની મોટામાં મોટી ફૂલ બજારમાં કર્જત, કલ્યાણ, નાસિક અને પાલઘરથી ફૂલો આવે છે. સવારે પાંચ વાગ્યાથી માર્કેટ ધમધમવા લાગે છે અને રોજ લાખોની કિંમતના ફૂલ વેંચાય છે.



Google NewsGoogle News