ઑફિસમાં રજા હોવાથી કારમાં ગેસ ભરાવવા ગયો અને દબાઈ ગયો
હૉર્ડિંગ દુર્ઘટનામાં ઘવાયેલ ગુજરાતી યુવાનની આપવીતી
ક્ષણભરમાં પરિસ્થિતિ બદલાઈ અને કંઈ સમજાય તે પહેલાં હૉર્ડિંગ તૂટી પડયું હતું, અડધો કલાક બચાવવા માટે બૂમો પાડયા બાદ મદદ મળી
મુંબઈ : મુંબઈમાં સોમવારે ઘાટકાપરમાં વિશાળ હોર્ડિંગ ધરાશાયી થવાની દુર્ઘટનામાં ઘાયલ થયેલા એક ગુજરાતીએ જણાવ્યું હતું કે તે કારમાં ગેસ ભરાવવા ગયો હતો ત્યારે પેટ્રોલ પંપર હોર્ડિંગ ધરાશાયી થતાં અને તેની સાથે પેટ્રોલ પંપની સિલિંગ પણ ધસી પડતાં કાર સાથે જ દબાઈ ગયો હતો. આ યુવકને ફ્રેકચર થયું છે અને પોતે હવે ક્યારે કામ પર પાછો ફરી શકશે તેનો ખ્યાલ નથી. જોકે,તે પોતાનો જીવ બચી ગયો તે માટે ઈશ્વરનો આભાર માની રહ્યો છે.
હૉર્ડિંગ દુર્ઘટનામાં ભોગ બનેલાં અનેક ઘાયલોને ઘાટકોપર સ્થિત રાજાવાડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમાંથી અમુક આઈસીયુમાં છે, તો ઘણાંને જનરલ વૉર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. ત્યાં જખમી અવસ્થામાં સારવાર લઈ રહેલા ૩૫ વર્ષીય ગિરીશ સોલંકીએ 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે, 'હું ટિળક નગરમાં રહું છું અને રબાળેમાં એક ખાનગી કંપનીમાં કામ કરું છું. સોમવારે મને ઑફિસમાં રજા હતી અને મારે મારી ગાડીનું થોડું કામ કરાવવાનું હતું આથી હું કારમાં સીએનજી ભરાવવા પેટ્રોલ પંપ પર ગયો હતો. ત્યાં લાઈનમાં હતો. તે સમયે જ અચાનક જોરદાર પવન સાથે વરસાદ શરુ થયો હતો. અમે ત્યાં ઊભેલાં કંઈ સમજી શકીએ એ પહેલાં જ અચાનક ધડાકાભેર હૉર્ડિંગ ઊપરથી પડયું. તે સમયે હું કારમાં જ બેઠો હતો અને બહાર નીકળવા જઉં તે પહેલાં હૉર્ડિંગ પડી ગયું અને કાર સાથે હું પણ તેમાં જ દબાઈ ગયો હતો.'
આ બાબતે તેમના માતા નિમુબેન સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, પરિસ્થિતિ એટલી ભયાનક હતી કે ત્યાં ઊભેલાં સૌ ક્ષણભર માટે ડઘાઈ ગયા હતાં અને કોને તેમજ ક્યાંથી મદદની શરુઆત કરવી તે કોઈને સમજાઈ રહ્યું નહોતું. અડધો કલાક સુધી મારો દીકરો બચાવવા માટે બૂમ પાડી રહ્યો હતો. બાદમાં તેણે ઘરે ફોન કરીને આ વાતની જાણ કરી હતી. દરમ્યાન તેને દબાયેલી કારના કાટમાળમાંથી કાઢી હૉસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. અહીં આવ્યા બાદ અમુક રિપોર્ટ માટે હાથમાં ક્રેક પડતાં ફ્રેક્ચર આવ્યું હોવાનું જણાયું. જોકે એ વાતનું આશ્વાસન છે કે આટલી મોટી દુર્ઘટનામાં લોકોએ જ્યાં જીવ ગુમાવી દીધો છે, ત્યાં મોટી ગંભીર ઈજાઓ ન થઈ. પરંતુ આ ફ્રેક્ચરમાંથી બહાર આવતાં પણ લાંબો સમય લાગશે. ત્યાં સુધી તે કામે પણ જઈ શકશે કે કેમ તે હજી કંઈ કહી શકાય તેમ નથી. આ બાબતે સરકારે વળતરની જાહેરાત તો કરી છે, પરંતુ તે માટે કોઈ દસ્તાવેજની માગણી કરી નથી. સરકારે આ તરફ ધ્યાન દઈ ઘાયલો તથા મૃતકોના પરિવારને રાહત મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.