ડ્રગ્સ કેસ: આર્યન ખાનને 2 દિવસમાં જામીન ના મળ્યા તો જેલમાં વધુ 16 રાત પસાર કરવી પડશે
મુંબઈ, તા. 27 ઓક્ટોબર 2021 બુધવાર
સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનના જામીન પર બુધવારે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઈ. સતત બે દિવસથી આ કેસની સુનાવણી ચાલી રહી છે. કેસની આગામી સુનાવણી ગુરૂવારે થશે અને આર્યન ખાનના જામીન પર ચુકાદો આવશે. આગામી બે દિવસમાં એટલે કે 28, 29 ઓક્ટોબર સુધી આ કેસમાં નિર્ણય આવવો ઘણો જરૂરી છે કેમ કે આ બાદ કોર્ટમાં દિવાળીની રજાઓ શરૂ થઈ જશે.
બોમ્બે હાઈકોર્ટે આગામી બે દિવસમાં આર્યન ખાનના જામીન પર નિર્ણય સંભળાવવો જ પડશે. કોર્ટે દિવાળીની રજા પહેલા પોતાના ચુકાદો આપવો ઘણો જરૂરી છે. જો આર્યન ખાનને બે દિવસમાં જામીન મળ્યા નહીં તો સ્ટારકિડે 15 નવેમ્બર સુધી જેલમાં જ રહેવુ પડશે.
બોમ્બે હાઈકોર્ટની દિવાળી વેકેશન 1 નવેમ્બર 2021થી શરૂ થઈ રહી છે. 1-6 નવેમ્બર સુધી દિવાળી હોલિડે હશે. 1 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી કોર્ટ બંધ રહેશે. 13-14 નવેમ્બરે શનિવારે રવિવારના કારણે કોર્ટમાં રજા હશે. દિવાળી રજા પહેલા બોમ્બે હાઈકોર્ટનો કામ કરવાનો છેલ્લો દિવસ 29 ઓક્ટોબર છે. જે બાદ બોમ્બે હાઈકોર્ટ 15 નવેમ્બરે ખુલશે.
આર્યન ખાન છેલ્લા 21 દિવસથી આર્થર રોડ જેલમાં બંધ છે. સેશન્સ કોર્ટે બે વાર આર્યન ખાનની જામીન અરજી ફગાવી છે. આર્યન ખાનના વકીલ અને પરિવારજનોને બોમ્બે હાઈકોર્ટ પાસેથી ઘણી આશા છે. ડ્રગ્સ કેસમાં કોર્ટે મંગળવારે બે આરોપીઓને જામીન આપ્યા છે. આર્યન ખાનની જામીન માટે તેમના વિદેશમાં રહી રહેલા મિત્ર મંત્ર જાપ કરી રહ્યા છે. NCBએ 2 ઓક્ટોબરે આર્યનને ક્રૂઝ શિપમાંથી પકડ્યા હતા. જેલમાં આર્યનને કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને જેલનુ ખાવાનુ પસંદ આવી રહ્યુ નથી.