જન્મટીપ ભોગવી રહેલા અરુણ ગવળીને મુદત પૂર્વે છૂટકારો મળશે
સરકારી પરિપત્રક અનુસાર કરેલી અરજી હાઈ કોર્ટે માન્ય કરી
65 વર્ષ પૂર્ણ થયા હોય તેવા અને મોટાભાગની સજા ભોગવી ચૂકેલા કેદીને રાહતનો નિયમ ટાંક્યોઃ જેલ પ્રશાસનને ૪ સપ્તાહમાં જવાબ આપવા જણાવાયું
મુંબઈ : કુખ્યાત ગેન્ગસ્ટરમાંથી રાજકારણી બનેલા અરુણ ગવળીનો મુદત પૂર્વે છુટકારો કરવાનો આદેશ બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે આપ્યો છે. ન્યા. વિનય જોશી અને ન્યા. વૃશાલી જોશીની બેન્ચે અરુણ ગવળીએ કરેલી ફોજદારી અરજીને માન્ય કરી હતી. ગવળીએ ૧૦ જાન્યુઆરી ૨૦૦૬ના સરકારી જાહેરનામા અનુસાર મુદત પૂર્વે છુટકારો આપવાનો દાવો કરતી અરજી કરી હતી.
ગવળીની અરજી પર કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી, પણ કોર્ટે ચુકાદો બાકી રાખ્યો હતો. તેના પર નિર્ણય આપીને કોર્ટે ગવળીને મુદત પૂર્વે મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સંબંધે કોર્ટે જેલ પ્રશાસનને જવાબ નોંધાવવા ચાર સપ્તાહનો સમય આપ્યો છે. હવે જેલ પ્રશાસન શું નિર્ણય લેશે એ જોવાનું રહે છે.
મુંબઈના અગાઉની શિવસેનાના નગર સેવક કમલાકર જામસાંડેકર હત્યા કેસમાં ગવળીને જન્મટીપની સજા થઈ હતી. હાલ ગવળી નાગપુર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો છે.
૨૦૦૬નો સરકારી નિર્ણય અનુસાર ૬૫ વર્ષ પૂર્ણ થયેલા અશક્ત, મોટાભાગની સજા ભોગવી ચૂકેલા કેદીને શિક્ષામાં રાહત મળે છે. આ અનુસાર અરુણ ગવળીની સજામાંથી મુદત પૂર્વે છુટકારો મેળવવાની માગણી કરી હતી. કોર્ટે નિર્ણય આપ્યા બાદ જેલમાંથી છુટકારો થવાની શક્યતા વધી છે.
૨૦૦૬ના સરકારી પરિપત્રક અનુસાર જન્મટીપની સજા થયેલા કેદીને ૧૪ વર્ષનો જેલવાસ પૂર્ણ કર્યા બાદ તેમ જ ૬૫ વર્ષથી વધુ વય ધરાવનાર કેદીને મુક્ત કરી શકાય છે.
જોકે સરકારી પક્ષે દલીલ કરી હતી કે જાહેરનામામાં મકોકા હેટળ કસૂરવાર ઠરેલા કેદીઓનો સમાવેશ નથી. એનડીપીસ, ટાડા, એમપીડીએ વગેરે હેઠળના આરોપીઓને આ લાભ મળી શકતા નથી.
ગવળીનો જન્મ ૧૯૫૫માં થયો હોવાથી તેની વય ૬૯ છે. જામસાંડેકરની હત્યાના કેસમાં ૨૦૦૭થી તે જેલમાં હોવાથી સોળ વર્ષથી જેલમાં છે. ૨૦૦૬ના મહારાષ્ટ્રના પરિપત્રક અનુસાર છુટકારા માટે બંને શરતો ગવળીએ પૂર્ણ કરી છે. આથી કોર્ટે તેને મુદત પૂર્વે છોડવાનો નિર્ણય આપ્યો છે.
કમલાકર જામસાંડેકરનો તેના વિસ્તારના સદાશિવ સુર્વે નામના શખસ સાથે મિલકત વિવાદ હતો. સદાશિવે ગવળીના હસ્તકો મારફત સુપારી આપી હતી. બીજી માર્ચ ૨૦૦૭ના રોજ સાંજે જામસાંડેકરના ઘરે તેના પર ગોળીબાર કરીને હત્યા કરાઈ હતી.