Get The App

અરશદે ધરપકડ ટાળવા 7 મહિનામાં 50થી વધુ સીમકાર્ડ અને મોબાઈલ બદલ્યાં હતાં

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
અરશદે ધરપકડ ટાળવા 7 મહિનામાં 50થી વધુ સીમકાર્ડ અને મોબાઈલ  બદલ્યાં હતાં 1 - image


ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનામાં પોલીસે અરશદને ઝડપવામાં લોઢાના ચણા ચાવવા પડયા

અરશદ હૈદરાબાદ, લખનૌ અને દેશભરના અન્ય સ્થળોએ કોઈ પુરાવા છોડયા વિના પોતાનું સ્થાન  બદલતો રહેતો હતો, પરિવાર સાથે સંપર્ક પણ કાપી નાખ્યો , છેવટે ખબરીઓનું નેટવર્ક કામે આવ્યું

મુંબઈ :  ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનાના સાત મહિના બાદ અરશદ ખાનની લખનૌથી ધરપકડ કરી હતી. જેમાં ધરપકડથી બચવા માટે અરશદ ખાને આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરીને ૫૦થી વધુ સિમ કાર્ડ અને ઘણા મોબાઈલ ફોન બદલ્યા  હતા. જેથી તેને ટ્રેક કરવું અશક્ય બન્યું હતું. વધુમાં તે પોતાનું સ્થાન અવારનવાર બદલતો રહેતો હતો.  જો કે, સાત મહિના બાદ પોલીસ તેને પકડવામાં સફળ રહી હતી. 

પ્રાપ્ત માહિતી મુજબ, ૧૩ મેના રોજ બનેલી દુઃખદ દુર્ઘટનામાં ઈગો મિડીયાની માલિકીનું ૧૨૦ બાય ૧૪૦ ફૂટનું વિશાળ હોર્ડિંગ ભારે પવનને કારણે પેટ્રોલ પંપ પર ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં ૧૭ લોકોના મોત થયા હતા. તો ૭૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. 

ઈગો મિડીયાના ભૂતપૂર્વ ડિરેક્ટર જાન્હવી મરાઠેની પૂછપરછ  દરમિયાન અરશદનું નામ સામે આવ્યું હતું. જેમાં પોલીસ નિવેદનમાં જાન્હવીએ જણાવ્યું હતું કે, સસ્પેન્ડ કૈસર ખાલિદે અરશદને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર હોર્ડિંગ લગાવવાની મંજૂરી આપ્યા બાદ ઈગો મિડિયાએ ૨૦૨૧ અને ૨૦૨૨માં અરશદને ઘાણા કોરા ચેક આપવામાં આવ્યા હતા.

ગોવંડી સ્થિત બિઝનેસમેન અરશદ ખાને આ કોરા ચેક  બેંક ખાતામાં જમા કરાવવા માટે  ગોવંડીના ઘણા લોકોને સમજાવ્યા હતા અને  અરશદ ખાને ગોવંડીના  લોકોને  કમિશન આપવાની લાલચ આપીને તમામ લોકોના બેંક ખાતામાં ચેક જમા કરીને રુ. ૮૪ લાખ બેંકમાંથી ઉપાડયા હતા.

જો કે, દુર્ઘટના બાદ તે ફરાર થઈ ગયો હતો. તેથી ક્રાઈમ બ્રાન્ચે તેની શોધખોળ હાથ ધરી હતી. જો કે, પોલીસની રડારથી દૂર રહેવા માટે  અરશદે ૫૦થી વધુ સિમ કાર્ડ  બદલ્યા હતા. જેથી પોલીસ તેને  ટ્રેક કરી શકી ન હતી. તેણે  દરેક કોલ બાદ સિમ કાર્ડનો નિકાલ કરતો હતો અને  ટ્રેક ન થઈ શકે તે માટે  તે  મોબાઈલ ફોન પણ બદલતો રહેતો હતો. આમાં તેણે  તેના પરિવારના સભ્યો અને સંબંધીઓનો પણ સંપર્ક કરતો ન હતો. વધુમા ંતે હૈદારબાદ, લખનૌ અને દેશભરના અન્ય શહેરોમાં કોઈ પણ પુરાવા પાછળ છોડયા વિના પોતાનું સ્થાન બદલતો રહેતો હતો.

તેથી છ મહિના સુધી પોલીસ પાસે અરશદની કોઈ લીડ ન હતી. તેથી પોલીસે તેના ખબરીઓનો આધાર લીધો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં અરશદ લખનૌમાં હોવાની બાતમી મળતા તેના આધારે  ક્રાઈમ બ્રાન્ચની ટીમ લખનૌ પહોંચી હતી.   કામના  હેતુ માટે અરશદ ભૂતકાળમાં પણ લખનૌની મુલાકાત લેતો હતો અને આ શહેરથી જાણીતો હતો. તેથી ક્રાઈમ બ્રાન્ચ ટીમે થોડ દિવસો સુધી આ વિસ્તારમાં  નજર રાખી હતી અને ૩૦ ડિસેમ્બરના લખનૌના ઠાકુરગંજમાં હુસૈનાબાદ વિસ્તારમાં બુક્કલ નવાબ એપાર્ટમેન્ટની સામે અરશદ દેખાતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

અરશદે તેની વેશભૂષા બદલી ન હતી. તેથી ક્રાઈમ બ્રાન્ચને તેને ઓળખી લીધો  હતો. આ બાદ તેને ઠાકુરગંજ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો અને કાનુની ઔપચારિકતાઓ પૂરી કરીને ઘાટકોપર  હોર્ડિંગ દુર્ઘટના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અરશદને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને છ્ઠ્ઠી  જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.



Google NewsGoogle News