માલેગાંવ વિસ્ફોટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સામે એરેસ્ટ વોરંટ
વારંવાર ચેતવણી છતાં કોર્ટમાં ગેરહાજર
વિશેષ કોર્ટ દ્વારા તપાસ એજન્સી પાસે 20 માર્ચ સુધીમાં અહેવાલ મગાવાયો
મુંબઈ : ૨૦૦૮ના માલેગાંવ બોમ્બ ધડાકા કેસમાં વિશેષ એનઆઈએ કોર્ટે વારંવાર ચેતાવણી છતાં કોર્ટ સામે ગેરહાજર રહેવા બદલ આરોપી ભાજપના સાંસદ પ્રજ્ઞાા સિંહ ઠાકુર સામે જામીનપાત્ર વોરન્ટ જારી કર્યું છે.
ઠાકુર અને અન્ય છ આરોપી સામે ગેરકાયદે પ્રવૃત્તિ નિવારણ કાયદો અને ભારતીય દંડ સંહિતા હેઠળ કેસ ચાલી રહ્યો છે. કોર્ટ હાલ ફોજદારી દંડ સંહિતા હેઠળ આરોપીઓના નિવેદનો રેકોર્ડ કરી રહી છે.
વિશેષ કોર્ટે આરોપીઓને સુનાવણી માટે હાજર રહેવા નિર્દેશ આપ્યો હતો. વિશેષ જજ એ. કે. લાહોટીએ ઠાકુર સામે રૃ. ૧૦ હજારનું વોરન્ટ જારી કર્યું છે અને તપાસ એજન્સીને ૨૦ માર્ચ સુધીમાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે.ગયા મહિને જજે ઠાકુરને કોર્ટમાં ગેરહાજર રહેવા પર જરૃરી પગલાં સાથે ચેતાવણી આપી હતી.
માલેગાંવમાં ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮માં મસ્જિદ પાસે મોટરસાઈકલમાં બાંધેલો બોમ્બ ફાટતાં છનાં મોત થયાં હતાં અને ૧૦૦ને ઈજા થઈ હતી. આ કેસ બાદમાં અનેઆઈએને તપાસ માટે સોંપાયો હતો.
ઉલ્લેખનીય છે કે સાધ્વી પ્રજ્ઞાા હાલ ભોપાલ બેઠક પરથી ભાજપના સાંસદ છે. જોકે, ભાજપ દ્વારા જાહેર કરાયેલી ઉમેદવારોની પ્રથમ યાદીમાં સાધ્વી પ્રજ્ઞાાની બાદબાકી કરવામાં આવી છે.