બાર ચાલુ રાખવા દેવા 2 લાખની ખંડણી માગનારા પત્રકાર તથા મહિલાની ધરપકડ
નવી મુંબઈના ઓર્કેસ્ટ્રા બારના માલિકને ધાકધમકી આપી
25 હજારનો હપ્તો સ્વીકારનાર પત્રકારને પોલીસે પુણેથી પકડી પાડયો : બાર પર મહિલાઓનો મોર્ચો લાવવાની તથા પોલીસ કેસની દમદાટી આપી હતી
મુંબઇ : નવી મુંબઇના તુર્ભેમાં આવેલ એક ઓર્કેસ્ટ્રા બારમાં પ્રવેશી જો ઓર્કેસ્ટ્રા બાર ચાલુ રાખવો હશે તો બે લાખ રૃપિયા આપવા પડશે તેવી ધમકી આપવા બાબતે બે વ્યક્તિ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. આ બેમાંથી એક વ્યક્તિ કથિત પત્રકાર છે જ્યારે અન્ય એક મહિલા આ પત્રકારની સાથીદાર છે.
આ બાબતે ગુનો દાખલ થયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી બંને આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા બંને આરોપીમાં સંદિપ રાસકર અને સોનાલી હનધવનો સમાવેશ થાય છે.
આ સંદર્ફે પોલીસ સૂત્રોનુસાર નવી મુંબઇના એપીએમસી પોલીસ સ્ટેશનની હદમાં હેવન સિક્સ અને એમએચ-૪૩ નામના ઓર્કેસ્ટ્રા બાર આવેલા છે. આ સ્થળે થોડા દિવસો પહેલા બંને આરોપીઓ આવ્યા હતા. આ લોકોએ હોટલના મેનેજરનો સંપર્ક સાધી તમારા બાર સામે પોલીસ ફરિયાદ ન થાય તેવું ઇચ્છતા હોય અને બાર ચાલુ રાખવો હોય તો બે લાખ રૃપિયાની ખંડણી આપવી પડશે તેવું જણાવ્યું હતું. આ માગણી નહી માનવામાં આવે તો સેંકડોની સંખ્યામાં મહિલાઓનો મોર્ચો બાર પર લાવી બાર પર હુમલો કરી બારને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી. આ ઉપરાંત બંનેએ એવી પણ ધમકી આપી હતી કે તેમને જાતિવાયક અપશબ્દો કહ્યા હોવાની પણ પોલીસ ફરિયાદ નોંધાવશે.
આ બંનેની આવી માગણીથી દબાણમાં આવી ગયેલ બાર મેનેજમેન્ટે બંનેને એક લાખ રૃપિયાની ખંડણી આપવાનું નક્કી કર્યું હતું. જો કે આ રકમમાંથી પચ્ચીસ હજાર રૃપિયા જબરજસ્તીથી લઇ બંને ત્યાંથી નિકળી ગયા હતા. આ ઘટના બાદ બાર મેનેજમેન્ટે એપીએમસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે આ ઘટનાની ખરાઇ કર્યા બાદ આરોપીઓ સામે આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પુણેના રહેવાસી એવા કથિત પત્રકાર સંદિપની ધરપકડ કરી હતી. આ ઉપરાંત તેણે પડાવેલ પચ્ચીસ હજાર રૃપિયાની રકમમાંથી ૧૮ હજાર રૃપિયા પણ જપ્ત કર્યા હતા.