સીબીઆઈ દ્વારા થયેલી સીજીએસટી કમિશનરની ધરપકડ ગેરકાયદે ગણાવી મુક્તિનો આદેશ
ગોરેગાંવના વેપારીની ફરિયાદ બાદ આસામથી ધરપકડ થઈ હતી
સીબીઆઈ દ્વારા નિયમભંગ કરાયોઃ ધરપકડ પૂર્વે નોટિસ ન આપી, કારણ પણ બીજા દિવસે મૌખિકમાં જ જણાવ્યું
મુંબઈ : સીબીઆઈને આપેલા ઝટકામાં વિશેષ કોર્ટે આસામના દિબુ્રગઢના જોઈન્ટ કમિશનર ઓફ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (સીજીએસટી) રાહુલ કુમારને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ગેરકાયદે ધરપકડ અને ધરપકડની નિયમાવલીના ભંગના આરોપને ધ્યાનમાં લઈને આદેશ આપ્યો હતો.
ઓગસ્ટમાં ગોરગાંવના બિઝનેસમેન કરણ રાવલની ગેરકાયદે અટકાયત અને તેની પાસેથી ખંડણી માગવા બદલ નોંધાયેલા કેસ સંબંધે ગયા સપ્તાહે કુમારની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ દિબુ્રગઢથી ૨૪ ઓક્ટોબરે રાત્રે આઠ વાગ્યે કુમારની ધરપકડ કરીને બીજા દિવસે ગુવાહાટીની વિશેષ કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા. સીબીઆઈએ મુંબઈ લાવવા ટ્રાન્સિટ રિમાન્ડ માગ્યા હતા.
શનિવારે સરકારી પક્ષે પાંચ દિવસ માટે પૂછપરછ કરવા કસ્ટડી માગી હતી. અરજીનો કુમારના વકિલે વિરોધ કરીને દાવો કર્યો હતો કે તપાસ એજન્સીએ નવા કાયદા અનુસાર ધરપકડ પૂર્વે ફરજિયાત અપાતી નોટિસ આપી નથી અને ધરપકડનું કારણ પણ આપવામાં નિષ્ફળ ગઈ છે. કારણ બીજા દિવસે મૌખિક આપ્યું હતું. કોર્ટે બચાવ પક્ષની દલીલ ધ્યાનમાં લઈને કુમારની મુક્તિનો આદેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે સીબીઆઈએ નિયમાવલી પાળી નથી.