લોકસભા ચૂંટણી પૂર્વે કેફી ડ્રગ્સની હેરફેરમાં સંડોવાયેલા 5 દલાલોની ધરપકડ
ચૂંટણી ટાણે મોટાપાયે ડ્રગ્સની હેરફેરની આશંકા
એક દલાલ સુરતથી ઝડપાયો, સતત સ્થળ બદલતા અન્ય દલાલને ફોન ટ્રેસ કરીને ઝડપી લેવાયો
મુંબઈ : મુંબઈ સહિત સમગ્ર મેટ્રોપોલિટન રિજન અને નાસિક, પુણે જેવા બાજુના મહત્ત્વના શહેરોમાં ૨૦ મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલાં નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરોએ એક કાર્યવાહી હાથ ધરી કેફી પદાર્થોના દલાલી કરતા પાંચ મોસ્ટ વોન્ટેડ દલાલોની અટકાયત કરી હતી.
ચૂંટણીઓ શાંતિપૂર્વક નિર્વિઘ્ને પાર પડે તેવા આશયથી એનસીબીના મુંબઈના એડીશીનલ ડાયરેક્ટર અમિત ઘાવટેના નેતૃત્વ હેઠળશ આ વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી હેઠળ ડ્રગ્સની લે- વેચ કરતા આ એજન્ટો પર બારીકાઈથી નજર રાખવામાં આવી અને તેમને શોધી તાબામાં લેવામાં આવ્યા હતા.
એનસીબીએ ગયા મહિને મુંબઈથી મોટા પ્રમાણમાં નાઈટ્રાઝેપામ (ફાર્મા ડ્રગ)ની ગોળીઓ જપ્ત કરી હતી. આ પ્રકરણે એનસીબીએ બે જણને પકડયા હતા. આ પ્રકરણે પોલીસે સુરતથી આર.એલ. પટેલ નામના કેફી પદાર્થોના મુખ્ય દલાલની ધરપકડ કરી હતી.
આ સિવાય ભિવંડીથી બે કિલો મેફેડ્રોન જપ્ત કરી ડી. રાઠોડ નામના મુખ્ય દલાલને પકડી પાડયો હતો. આ કેસમાં પહેલેથી જ ત્રણ જણની ધરપકડ કરવામાં આવી છે.
એનસીબીએ ગયા વર્ષે પ્રતિબંધિત કોડેન કફસિરપની બે હજાર બોટલો જપ્ત કરી હતી. આ કેસમાં એનસીબીએ એસ. તોમર નામના દલાલને પકડી પાડયો હતો. આ સિવાય ગયા વર્ષે દક્ષિણ મુંબઈના ડોંગરીમાંથી ૨૦ કિલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું.
આ કેસમાં પુરવઠો પુરો પાડનાર બાબુશ ઉર્ફે એસ. ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૫૭ ગામ મેફેડ્રોન જપ્ત કરવાના કેસમાં ૨૦૨૧થી ફરાર એફ.એમ. શેખને ગુપ્ત માહિતીને આધારે એનસીબીએ ઝડપી લીધો છે. શેખ સતત સ્થળ બદલતો રહેતો પણ એનસીબીએ અત્યાધુનિક સંદેશ વ્યવહાર સિસ્ટમની મદદથી તેને ટ્રેસ કર્યો હતો અને તેને પકડી પાડયો હતો.