પુણેના આશરે 100 વિદ્યાર્થીઓ કિર્ગીસ્તાનના બિશ્કેકમાં ફસાયાં
પરત ફરવા ઈચ્છતા વિદ્યાર્થીઓમાં ઉચાટ
બિશ્કેકના સ્થાનિકો વિદેશી વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી હુમલો કરતાં હોવાથી વાતવરણ ડહોળાયું
મુંબઇ : કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં ચાલી રહેલી હિંસાચારની ઘટનામાં ભારતના દસેક હજાર વિદ્યાર્થીઓ ફસાયા છે. તેમાં પુણેના આશરે ૧૦૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. મેડિકલ શિક્ષણ લેવા માટે ત્યાં ગયેલાં વિદ્યાર્થીઓ વતન પાછા ફરવાની આશા સેવી રહ્યાં છે.
બિશ્કેકમાં કેટલાંક દિવસથી હિંસાચારની ઘટનાઓ બની રહી છે. ત્યાં મુખ્યત્વે વિદેશી નાગરિકોને કેન્દ્રીત કરાઈ રહ્યાં છે. પુણેના સોથી વધુ વિદ્યાર્થીઓ ત્યાં છે. બિશ્કેકમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ રહેતાં હતાં તે હૉસ્ટેલ પર સ્થાનિક સંતપ્ત નાગરિકોએ હુમલો કર્યો હતો. તેમાં કેટલાંક વિદ્યાર્થીઓ જખમી થયા હતાં. ત્યારબાદ કેટલાંક વિદ્યાર્થીઓ અને સ્થાનિકોમાં વિવાદ થયો અને તે મારપીટમાં પરિણમ્યો. ત્યારબાદ સ્થાનિક નાગરિકોએ આંદોલન શરુ કર્યું. હિંસાચારને કારણે શિક્ષણ સંસ્થાઓએ નિયમિત પરીક્ષાઓ પણ પાછળ ધકેલી છે. ત્યાં કેટલાંક વિદેશી વિદ્યાર્થીઓને ગોંધી રાખવામાં આવ્યાં હોવાની પણ માહિતી છે.
ભારત અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓને આનો વધુ ફટકો લાગતાં કેટલાંય વિદ્યાર્થીઓએ ટિકીટ બૂક કરાવી લીધી છે. પરંતુ હૉસ્ટેલોમાંથી બહાર નીકળવું જ મુશ્કેલ બની ગયું છે. આથી સરકારે આમાં હસ્તક્ષેપ કરી ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષિતતાની તકેદારી લેવી અને વિદ્યાર્થીઓને પરત લાવવા તુરંત પ્રયાસો કરવા, એવું પુણેની એક વિદ્યાર્થિની જે બિશ્કેકમાં ફસાયેલી છે, તેની બહેને સમાજમાધ્યમોને જણાવ્યું હતું.
આ બાબતે સ્થાનિક જિલ્લાધિકારી કાર્યાલયે સ્પષ્ટીકરણ આપતાં કહ્યું છે કે, પુણેના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ બિશ્કેકમાં શિક્ષણ લઈ રહ્યાં છે. તેમના વાલીઓએ જિલ્લાધિકારી કાર્યાલયને લેખિતમાં અરજી કરી સંપૂર્ણ માહિતી આપવી. જિલ્લાધિકારી આ માહિતી રાજ્ય અને કેન્દ્ર સરકારને મોકલશે. પુણેના વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડાશે અને તેમને પરત ભારત લાવવા પણ પ્રયાસો કરાશે.