બિગબોસમાં અરમાન તથા ક્રિતિકાનાં અશ્લીલ દૃશ્યોથી હોબાળોઃ શો પર પ્રતિબંધની માંગ
મહારાષ્ટ્રની મહિલા ધારાસભ્યોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી
આ શોમાં લાઈવ ટીવી પર યુ ટયુબર અરમાન મલિક તથા તેની પત્ની ક્રિતિકાએ તમામ હદો ઓળંગી લીધી હોવાનો આરોપ
મુંબઇ : ટીવી શો બિગબોસમાં યુ ટયુબર અરમાન મલિક તથા તેની પત્ની ક્રિતિકાના અશ્લીલ દૃશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયાં છે. આ યુગલે લાઈવ ટીવીમાં તમામ હદો ઓળંગી લીધી છે અને તે ટીવી પર દર્શાવાતાં વિવાદ થયો છે. હવે આ મુદ્દે મહારાષ્ટ્રમાં શાસક શિવસેનાના મહિલા ધારાસભ્યએ મુંબઈ પોલીસ સમક્ષ આ શો પર પ્રતિબંધ મૂકી તેનું પ્રસારણ તત્કાળ બંધ કરાવવાની માગણી કરી છે.
શિવસેનાનાં પ્રવક્તા અને વિધાન પરિષદના સભ્ય મનિષા કાયંદેએ જણાવ્યું હતું કે આ ટીવી શોના ગત તા. ૧૮મી જુલાઈના એપિસોડમાં અરમાન તથા ક્રિતિકાને અશ્લીલ હરકતો કરતાં દર્શાવાયાં હતાં. કાયંદેએ જણાવ્યું હતું કે આ બંને જણાંએ માનવસંબંધોની ગરિમાની તથા સામાજિક ધારાધોરણોની તમામ સરહદો પાર કરી નાંખી છે. શિવસેનાની મહિલા નેતા શીતલ મ્હાત્રે સાથે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરવા ગયેલી વિધાનસભ્ય કાયંદેએ જણાવ્યું હતું કે બાળકો પણ આ શો જુએ છે અને તેની તેમના પર અસર પડે છે. આ શો બંધ કરવો જોઇએ અને સાયબર કાયદા હેઠળ આ શોના નિર્માતા અને તેને પ્રસારિત કરતી કંપનીના સીઇઓ સામે કેસ નોંધવો જોઇએ.
મનિષા કાયંદેએ જણાવ્યું હતું કે બીગ બોસ હવે ફેમિલિ શો રહ્યો નથી. અરમાન મલિક અને ક્રિતિકા મલિકે સભ્યતાની તમામ સરહદો પાર કરી નાંખી છે. જો કે, બીગ બોસ સામે આ પ્રકારની ફરિયાદો અવાર નવાર થતી જ રહી છે. બીગબોસ ૧૪માં પણ આગલી સિઝનના વિજેતા સિદ્ધાર્થ શુક્લાને સિડયુસ કરવાનો ટાસ્ક મહિલા સ્પર્ધકોને અપાયો ત્યારે પણ આવો જ હોબાળો મચ્યો હતો. નિક્કી તંબોલી, પવિત્રા પુનિયા, જાસ્મિન ભસીન અને રૃબિના દિલૈકની પ્રોમો ક્લિપ એ સમયે વાઇરલ થઇ ત્યારે નેટીઝન્સે બીગ બોસના મેકર્સની આકરી ટીકા કરી તેની પર પ્રતિબંધ મુકવાની માંગણી કરી હતી. આ શોમાં વિવિદાસ્પદ સામગ્રી રજૂ થતી હોઇ તેને રાત્રે નવ વાગ્યાના પ્રાઇમટાઇમ સ્લોટમાંથી પાછળ ધકેલી રાત્રે સાડા દસ વાગ્યે પ્રસારિત કરાતો હતો. હવે તો આ શોને ટીવી ચેનલ પર નહીં પણ ઓટીટી પર રજૂ કરવામાં આવે છે.