અરબાઝની કબૂલાત, ગોળીબાર બાદ સમગ્ર ખાન પરિવાર ભારે આઘાતમાં
આ બનાવથી અમે માનસિક રીતે ભારે વ્યથિત
પરિવારને અસર નથી થઈ તેમ કહેવું ખોટું છે, ગોળીબાર ગુંડાઓનો પબ્લિસિટી સ્ટંટ હોવાનું અમે કહ્યું નથી
મુંબઇ : સલમાન ખાનના ઘરે ગોળીબારથી પરિવારને અસર થઈ નથી તેવા અહેવાલો વચ્ચે આજે મોડી સાંજે સલમાનના ભાઈ અરબાઝે એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ પ્રગટ કરીને કહ્યું હતું કે આ ગોળીબારથી સમગ્ર પરિવારને ભારે આઘાત લાગ્યો છે. સૌ માનસિક રીતે અતિશય વ્યથિત થઈ ગયાં છે.
અરબાઝ ખાને આજે સાંજે સોશિયલ મીડિયા પર ઓફિશિયલ સ્ટેટમેન્ટ જારી કર્યું હતું. તેમાં તેણે જણાવ્યું હતું કે બાન્દ્રાના ગેલેક્સી એપાર્ટમેન્ટ ખાતેના અમારાં ઘરે મોટરસાઈકલ પર સવાર બે વ્યક્તિઓ દ્વારા ગોળીબારના બનાવથી અમને બહુ આંચકો લાગ્યો છે અને અમે બધાં માનસિક રીતે બહુ વ્યથિત થઈ ગયાં છીએ. સમગ્ર સલીમ ખાનનો પરિવાર આ હુમલાથી ભારે આઘાતમાં છે.
અરબાઝે કહ્યું હતું કે કમનસીબે કેટલાક લોકો અમારા પરિવારના નિકટવર્તી હોવાનો તથા અમારા પ્રવક્તા હોવાનો દાવો કરીને મીડિયા સમક્ષ એવાં નિવેદનો કરી રહ્યા છે કે આ બનાવથી અમને કોઈ અસર થઈ નથી કે આ ગોળીબાર તો કોઈ ગુંડાઓનો પબ્લિસિટી સ્ટન્ટ જ છે. પરંતુ, આમ કહેવું ખોટું છે. અમે આવું કશું કહ્યું જ નથી. આ લોકોનાં નિવેદનોને કોઈ મહત્વ ન અપાવું જોઈએ. આ બનાવ અંગે સમગ્ર સલીમ ખાન પરિવાર તરફથી કોઈએ કોઈ નિવેદન આપ્યું જ નથી. હાલના તબક્કે સમગ્ર પરિવાર પોલીસને આ બનાવની તપાસમાં સહકાર આપી રહ્યો છે. અમને મુંબઈ પોલીસ પર સંપૂર્ણ ભરોસો છે અને અમને ખાતરી છે કે અમારી સુરક્ષા માટે પોલીસ બનતા બધા જ પ્રયાસો કરી છૂટશે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે વહેલી પરોઢે સલમાનના ઘરે ગોળીબાર થયો તે પછી તેમના સંખ્યાબંધ મિત્રો તથા શુભેચ્છકોએ પરિવારની મુલાકાત લીધી હતી. તે પછી કેટલાક લોકોએ ઘરની બહાર આવી મીડિયા સમક્ષ એમ જણાવ્યું હતું કે આ બનાવથી પરિવારને કોઈ ફરક પડયો નથી.
પનવેલમાં બંને શૂટર એક મહિના સુધી ભાડાના ઘરમાં રહ્યા હતા
સલમાન ખાનનું પનવેલમાં ફાર્મ હાઉસ છે ત્યાં ગણતરીપૂર્વક રીતે ભાડે રહ્યા હોવાનું અનુમાન
સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારી બેને શૂટર એક મહિના સુધી પાનવેલમાં ભાડાના ઘરમાં રોકાયા હતા. પનવેલમાં જ સલમાન ખાનનું ફાર્મહાઉસ છે, આથી તેઓ ત્યાં ચોક્કસ ગણતરીથી રોકાયા હોઈ શકે તેમ મનાય છે.
પોલીસ આ ઘરના માલિક, ગુનામાં વપરાયેલ બાઇકના અગાઉના માલિક, વેચાણ કરનાર એજન્ટ તેમજ અન્ય કેટલીક વ્યક્તિની પૂછપરછ કરી રહી છે.
મૂળ માલિકે તાજેતરમાં જ બાઇક અન્ય કોઇને વેચી દીધી હતી. પનવેલના હરિગ્રામ વિસ્તારમાં બંને આરોપીએ ઘર ભાડે રાખ્યું હતું. આથી તેમણે પનવેલના ફાર્મ હાઉસની મેળવી ત્યાં કોઇ ગુનાહિત કાવતરુ ઘડયું હતું કે કેમ એની પણ તપાસ થઇ રહી હોવાનું કહેવાય છે.