એકબાજુ ચોમાસાની વિદાય, બીજી તરફ ડિપ્રેશન સાથે અરબી સમુદ્ર ગાંડાતૂર થયો

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
એકબાજુ ચોમાસાની વિદાય, બીજી તરફ ડિપ્રેશન સાથે  અરબી સમુદ્ર ગાંડાતૂર થયો 1 - image


રત્નાગિરિમાં ઓરેન્જ, સિંધુદુર્ગમાં રેડ એલર્ટ

ડિપ્રેશન આજે કોંકણ -ગોવાના સમુદ્રને ક્રોસ કરીને શાંત થઇ જવાના સંકેત : મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભમાં ગાજવીજ, તીવ્ર પવન, ભારે વર્ષાનું ત્રેખડ

મુંબઇ :  એક તરફ ૨૦૨૩નું ચોમાસુ આખા ભારતમાંથી તબક્કાવાર વિદાય લઇ રહ્યું  છે. જ્યારે બીજીબાજુ હવામાનનાં પરિબળો  અરબી સમુદ્રમાં  ભારે તોફાની બન્યાં છે.  

હવામાન ખાતાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે  અરબી સમુદ્રના પૂર્વ -મધ્ય હિસ્સામાં એટલે કે દક્ષિણ કોંકણ -ગોવાના સમુદ્રથી  દૂરના હિસ્સામાં સર્જાયેલું હવાના હળવા દબાણનું કેન્દ્ર  આજે  ડિપ્રેશનમાં ફેરવાઇ ગયું છે. 

આવાં તોફાની કુદરતી પરિબળોની વ્યાપક અસરથી દક્ષિણ કોંકણના રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં આવતા  ૨૪ કલાક  દરમિયાન મેઘગર્જના, વીજળીના કડાકા, તીવ્ર પવન સાથે  અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. 

રત્નાગિરિ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જ્યારે સિંધુદુર્ગ જિલ્લા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. જ્યારે મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભના અમુક જિલ્લામાં પણ ગાજવીજ અને તીવ્ર પવન સાથે મુશળધાર વરસાદ વરસવાની શક્યતા છે. 

હવામાન ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સુનિલ કાંબળેએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે ગઇકાલે ૨૯, સપ્ટેમ્બરે અરબી સમુદ્રના પૂર્વ-મધ્ય હિસ્સામાં સર્જાયેલું હવાના હળવા દબાણનું કેન્દ્ર (લો પ્રેશર) આજે ૩૦, સપ્ટેમ્બરે વધુ તીવ્ર બન્યું  છે. એટલે કે લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાઇ ગયું છે.આ ડિપ્રેશન પરિબળ હાલ પંજીમથી૧૧૦ કિ.મી, રત્નાગિરિથી ૧૩૦ કિ.મી. હોનાવર(કર્ણાટક)થી ૨૫૦ કિ.મી. દૂરના અંતરે છે. 

અરબી સમુદ્રનાંનું આ ડિપ્રેશન જોકે આજે ૩૦, સપ્ટેમ્બરની રાતે પૂર્વ-ઇશાન ભણી આગળ વધીને પંજીમ - રત્નાગિરિ વચ્ચે થઇને કોંકણ --ગોવાના સમુદ્ર કિનારાને ક્રોસ કરી જશે. પરિણામે ડિપ્રેશનની તીવ્રતા  આવતીકાલે ૧, ઓક્ટોબરે સવારે ઘણી ઘણી ઓછી થઇ જશે. એટલે કે ડિપ્રેશન વધુ તીવ્ર નહીં બને. 

આમ છતાં  ડિપ્રેશનની ભારે અસરથી આવતા ૨૪ કલાક દરમિયાન દક્ષિણ કોંકણના રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લામાં પ્રચંડ ગાજવીજ સાથે  ભારેથી અતિ ભારે તોફાની વર્ષા થવાની સંભાવના છે. સાથોસાથ  મધ્ય મહારાષ્ટ્ર(પુણે, કોલ્હાપુર, સાતારા, સાંગલી, સોલાપુર-ગાજવીજ સાથે ભારે વરસાદ-યલો એલર્ટ), મરાઠવાડા(લાતુર,ધારાશિવ-ગાજવીજ --યલો એલર્ટ), વિદર્ભ( ભંડારા,ચંદ્રપુર, ગઢચિરોળી,ગોંદિયા, નાગપુર,વર્ધા,વાશીમ, યવતમાળ -- ગાજવીજ --યલો  એલર્ટ) માં પણ તોફાની પરિબળો સર્જાવાની શક્યતા છે.

હવામાન ખાતાએ એવી માહિતી પણ આપી હતી કે  ૨૦૨૩ના નૈઋત્યના ચોમાસાએ આજે જમ્મુ -કશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના અમુક વિસ્તારોમાંથી વિદાય લીધી છે. જ્યારે પંજાબ, હરિયાણા--ચંડીગઢ દિલ્હીમાંથી સંપૂર્ણ વિદાય લીધી છે. હાલ નૈઋત્યના ચોમાસાની વિદાય રેખા ગુલમર્ગ,ધર્મશાળા, પંતનગર, ઇટાવાહ, મોરેના, સવાઇ માધોપુર, જોધપુર,બારમેર  પરથી પસાર થઇ રહી છે. મેઘરાજા આવતા ૩ -૪ દિવસમાં રાજસ્થાનના, મધ્ય પ્રદેશના અને ગુજરાતના અમુક વિસ્તારોમાંથી પણ વિદાય લે તેવાં સાનુકુળ પરિબળો  છે. 

આજે  સાંજે મુંબઇના પૂર્વનાં અને પશ્ચિમનાં અમુક  પરામાં વરસાદી માહેાલ સર્જાયો હતો. આજે કોલાબામાં દિવસનું  તાપમાન ૩૨.૭ અને રાતનું તાપમાન ૨૪.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.જ્યારે સાંતાક્રૂઝમાં દિવસનું તાપમાન ૩૨.૮ અને રાતનું તાપમાન૨૪.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.



Google NewsGoogle News