ધાર્મિક લાગણી દુભાવવા બદલ એકનાથ શિંદે, રાણે સામે કેસ દાખલ કરવા અરજી
ઈસ્લામોફોબિયા વધી રહ્યું હોવાના દાવા સાથે હાઈકોર્ટમાં અરજી
રામગીરી મહારાજને રક્ષણ આપવા અને મુસ્લિમ સમુદાયની ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
મુંબઈ : બાંદરાના રહેવાસીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરીને મોહમ્મદ પયગમ્બર વિશે વાંધાજનક ટિપ્પણીઓ કરી રહેલી વ્યક્તિને સમર્થન અને રક્ષણ આપવા તેમ જ મુસ્લિમ સમુદાયની ધાર્મિક ભાવના દુભાવવા બદલ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ભાજપના ધારાસભ્ય નિતેશ રાણે સામે ફોજદારી કેસ નોંધવાનો મહારાષ્ટ્ર પોલીસને નિર્દેશ આપવાની દાદ માગી છે.
અરજદાર મોહમ્મદ વસી સય્યદે મોહમ્મદ પયગમ્બર વિશે સ્વયંઘોષિત ધર્મગુરુ મહંત રામીરી મહારાજે કરેલી વાંધાજનક ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો. અરજદારે મુખ્ય પ્રધાન શિંદેએ ૧૬ ઓગસ્ટે આપેલા ભાષણને પણ ટાંક્યું હતું જેમાં તેમણે પોતે રાજ્યના મુખ્ય પ્રધાન છે ત્યાં સુધી કોઈ હિન્દુસંતને હાથ નહીં લગાવવાનું પોલીસને કહ્યું હતું.
આ રીતના નિવેદન સ્પષ્ટ રીતે ન્યાયસભર તપાસ સામે ચેતવણી અને અવરોધ છે, એમ અરજીમાં જણાવાયું છે.
રાણે સંબંધે અરજીમાં જણાવાયું હતું કે તે ગુનાખોરી માટે નામચીન છે. રાણેએ રામગીરી મહારાજના સમર્થનમાં અહેમદનગરમાં રેલી કાઢી હતી અને ઉશ્કેરણીજનક ભાષણ આપીને મુસ્લિમોને સમલિંગી કહ્યા હતા અને દરેક મસ્જિદમાં ઘૂસીને તેમને મારી નાખશે એવી ધમકી આપી હતી.
સમાજમાં કોમી તિરાડ પાડવા તથા રામગીરી મહારાજ સામે પગલાં લેવાથી પોલીસને ધમકાવવા બદલ ભારતીય ન્યાય સંહિતા અને માહિતી અને તંત્રજ્ઞાાન કાયદાની સંબંધીત જોગવાઈ હેઠળ રાણે અને શિંદે સામે એફઆઈઆર નોંધવાની અરજદારના વકિલ એજાઝ નક્વીએ દાદ માગી છે. મુસ્લિમો સામે રાણેના ભાષણ અને રેલીનું જીવંત પ્રસારણ કરવાથી ઓથોરિટીને અટકાવવવાનો નિર્દેશ આપવાની પણ દાદ મગાઈ છે.
ટ્વિટર (એક્સ) યુઝર્સ નુપુર શર્મા, રૌષન સિંહા, સંજય દિક્ષીત હિતેશ શંકર, અર્પિતા સેન, એડવોકેટ શાહઝાદ પૂનાવાલા અને હિન્દુ જનજાગૃતિ સમિતિના પંડિત ચારુદત્તા પિંગળે સહિતની સોશ્યલ મીડિયા ગેન્ગનો ઉલ્લેખ કરીને અરજીમાં જણાવાયું હતું કે તેઓ ઈસ્લામોફોબિયા ફેલાવી રહ્યા છે અને આર્થિક અને રાજકીય લાભ મેળવવા મુસ્લિમોને મશ્કરીનું પાત્ર બનાવી રહ્યા છે.
ભારતના લોકપ્રિય સરકારની મદદથી ઈસ્લામોફોબિયા (ઈસ્લામને લઈને ભય) વધી રહ્યો હોવા છે અને રમખાણો અને જમાવડા દ્વારા મોતને ઘાટ ઉતારવા જેવી હિંસાથી મોટાભાગે મુસ્લિમો અને ઈસ્લામના અનુયાયીઓના મોત નીપજાવવામાં આવે છે.
વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વાઈરલ થઈ રહેલી ઈસ્લામોફોબિક સાહિત્યને દૂર કરવાની પણ દાદ અરજીમાં માગવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રામગીરી મહારાજના વાંધાજનક વિડિયો સંબંધી અરજી અગાઉ હાઈકોર્ટમાં થઈ છે અને આ સંબંધી તેમના વિડિયો સોશ્યલમીડિયા પરથી દૂર કરાયા હોવાનું કોર્ટને તાજેતરમાં પોલીસે જણાવ્યું હતું. વધુમાં રામગીરી સામેની ૫૮ એફઆઈઆરને સિન્નર પોલીસ સ્ટેશનમાં ક્લબ કરવામાં આવી હોવાનું પોલીસે કોર્ટને જણાવ્યું હતું.