કિડની ફેઈલનું કારણ આપી નવાબ મલિકે ચૂંટણીમાં ઝંપલાવતાં હાઈકોર્ટમાં અરજી
મની લોન્ડરિંગ કેસમાં સાક્ષીદારોને ધમકાવી રહ્યા હોવાનો આરોપ
તબીબી કારણોસર જામીન મેળવ્યા પછી હોસ્પિટલમાં નથી કે કોઈ સર્જરી નથી થઈ : પ્રચારના નામે સાક્ષીઓ સામે વેર વાળી જામીનની શરતોનો ભંગ
મુંબઈ : રાજ્યના માજી પ્રધાન અને અનેસીપીના નેતા નવાબ મલિકને અપાયેલા વચગાળાના જામીન રદ કરવાની દાદ માગતી અરજી બોમ્બે હાઈ કોર્ટમાં કરવામાં આવી છે. અરજીમાં આરોપ કરાયો છે કે મલિક તેમને અપાયેલી રાહતનો દુરુપયોગ કરી રહ્યા છે અને સાક્ષીદારોને ધમકાવી રહ્યા છે આ રીતે જામીનની શરતનો ભંગ થઈ રહ્યો છે.
એનસીપી (અજીત પવાર) જૂથના નેતા મલિકની ધરપકડ ૨૨ ફેબુ્રઆરી ૨૦૨૨માં એન્ફોર્સમેન્ટડ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા કરવામાં આવી હતી.ભાગેડુ ગેન્ગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેના સાથીદારો સંબંધી કેસમાં ધરપકડ થઈ હતી. સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ ૨૦૨૩માં તેમને કિડનીની સારવાર માટે વચગાળાના તબીબી જામીન આપ્યા હતા. તેઓ માનખુર્દ શિવાજીનગર વિધાનસભા મતદાર સંઘમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ૨૦ નવેમ્બરે ચૂંટણીનું મતદાન છે.
શહેરના રહેવાસી સેમસન પાઠારેએ આરોપ કર્યો હતો કે મલિકે કોર્ટ દ્વારા લદાયેલી શરતોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. કિડની ફેલ થઈ રહી હોવાના કારણસર જામીન મેળવ્યા હતા અને તેમને હોસ્પિટલ અને સારવારની જરૃર હોવાનું જણાવ્યું હતું. જોકે મલિક કોઈ સર્જરી કરાવી નથી રહ્યા કે હોસ્પિટલમાં દાખલ પણ નથી. તેમની તબિયત ગંભીર નથી કે મેડિકલ અનફિટ પણ નથી જેને લીધે તેમને તબીબી જામીન આપવામાં આવ્યા હતા. તેમણે કોર્ટને ગેરમાર્ગે દોરીને અપાયેલી રાહતનો દુરુપયોગ કર્યો છે.
ચૂંટણી પ્રચારના નામે મલિક સાક્ષીદારો સામે વેર વાળી રહ્યા છે અને વિશેષ કોર્ટમાં નિવેદન બદલવા ધમકીઓ આપી રહ્યા છે. ચૂંટણી પ્રચાર માટે તેઓ વિશેષ કોર્ટના અધિકારક્ષેત્રથી સતત બહાર રહે છે અને મીડિયાને મુલાકાતો આપે છે જે શરતોનો ભંગ છે. તેઓ વિશેષ કોર્ટ સમક્ષ ચાલી રહેલો કેસ હેતુપૂર્વક વિલંબમાં મૂકીને પોતાને આપેલી છૂટનો ગેરવપરાશકરે છે અને ન્યાયથી ભાગતા ફરી રહ્યા છે. મલિકે ઈડીને સમયાંતરે તબીબી વિગતો પણ આપી નથી.
ઓગસ્ટ ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટે આપેલા વચગાળાના જામીન સમયાંતરે લંબાવ્યા કર્યા છે. હાઈકોર્ટ તેમના નિયમિત જામીન પર નિર્ણય લેશે નહીં ત્યાં સુધી તબીબી જામીન લાગુ રહેશે, એમ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.