ઈવીએમ બાબતે ખોટી માહિતી ફેલાવવા બાબતે રાહુલ ગાંધી,ઉદ્ધવ ઠાકરે સામે અરજી
મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક બાબતે આપેલાં નિવેદનો અંગે અરજી
સંજય રાઉત તથા યુ ટયુબર ધુ્રવ રાઠીને પણ આરોપી દરીકે દર્શાવાયાઃ કોર્ટના અવમાનની કાર્યવાહી કરવાની દાદ માગવામાં આવી
મુંબઈ : ન્યાય પ્રવિષ્ઠ બાબતમાં કથિત હસ્તક્ષેપ કરવા બદલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, શિવસેના (યુબીટી) નેતાઓ ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, સંજય રાઉત અને યુ ટયુબર ધુ્રવ રાઠી સામે કોર્ટના અવમાનની કાર્યવાહી ઈચ્છતી અરજી બોમ્બે હાઈ કોર્ટમાં કરવામાં આવી છે.
અરજી અનુસાર પ્રતિવાદી રાહુલ ગાંધી અને અન્યોએ શિંદે જૂથના શિવસેનાના નેતા રવીન્દ્ર વાયકરના પરિવારના સભ્યોએ કથિત રીતે ઈવીએમ હેક કરવા બદલ નોંધાયેલી એફઆઈઆર વિશે અખબારી સ્ટોરી સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી. અરજીમાં દાવો કરાયો છે કે કથિત સમાચાર હકીકતને આધારે નહોતા અને અખબારે એના માટે દિલગીરી વ્યક્ત કરી હતી. તેમ છતાં પ્રતિવાદીઓ આ મુદ્દે ખોટી માહિતી ફેલાવતા રહ્યા છે આથી તેમની સામે પગલાં લેવાની દાદ માગી હતી.
અરજીમાં આરોપ કરાયો છે કે ધુ્રવ રાઠી અને અન્ય પ્રતિવાદીઓ ખોટી માહિતી ફેલાવવામાં અને અદાલતમાં વિચારાધીન કેસોમાં અને તપાસમાં પૂર્વગ્રહ નિર્માણ કરતી ખોટી માહીત અને કાવતરાની થિઅરી ચલાવવાના આદિ છે. લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે.
પ્રતિવાદીઓનું કૃત્ય હાઈકોર્ટે આપેલા આદેશનો ભંગ કરનારું છે જેમાં કોર્ટે મીડિયા ટ્રાયલ કરવાથી મીડિયાને દૂર કરવા નિયમાવલી દર્શાવી હતી. ન્યાયપ્રવિષ્ઠ બાબતોમાં હસ્તક્ષેપ કરવાથી ગુનાહિત અવમાન થાય છે અને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ હેઠળ સજાપાત્ર છે.
ન્યા. રેવતી મોહિત-ઢેરેને કેસથી અળગા રાખવાની વચગાળાની અરજી અરજદારે કરી હતી કેમ કે તેમના બહેન શરદ પવારની એનસીપી સાથે નજીકથી સંકળાયેલા છે. જોકે બેન્ચે મુખ્ય બાબત જ સાંભળવાનો ઈનકાર કર્યો હતો અને તેમને મુખ્ય ન્યા. પાસે ફરી યોગ્ય બેન્ચ સમક્ષ લિસ્ટિંગ માગવા જણાવાયું હતું.