પુણે, દિલ્હી ઉપરાતં સાંગલીમાં પણ જપ્ત મેફેડ્રોનનો જથ્થો 4000 કરોડથી વધુ

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
પુણે, દિલ્હી ઉપરાતં સાંગલીમાં પણ જપ્ત મેફેડ્રોનનો જથ્થો 4000 કરોડથી વધુ 1 - image


દેશભરમાં પોલીસની 15 ટીમનું અન્ય એજન્સી સાથે સર્ચ ઓપરેશન

મુંબઇ, મીરા-ભાઇંદર, પુણે, દિલ્હી, બૅગ્લોર, હૈદરાબાદ, લંડનમાં 'મ્યાઉં મ્યાઉંનું વેચાણઃ પુણેથી શરુ થયેલા સિલસિલા બાદ 2000 કિલો જથ્થો જપ્ત

મુંબઇ  : આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કરતા પુણે પોલીસને અત્યારસુધીમાં રૃા.૪૦૦૦ કરોડનું ૨૦૦૦ કિલોથી વધુ  મેફેડ્રોન મળી આવ્યું છે. દિલ્હી, પુણે, સાંગલીમાં દરોડા દરમિયાન પોલીસે આ કૌભાંડમાં મહત્વની માહિતી મેળવી અંદાજે આઠ જણની ધરપકડ કરી છે. પુણે પોલીસની ૧૫ ટીમે અન્ય તપાસ એજન્સી સાથે મળીને દેશભરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. બીજી તરફ મુંબઇ, મીરા-ભાઇંદર, પુણે, દિલ્હી, બૅગ્લોર, હૈદરાબાદ, લંડન અને અન્ય સ્થળે  આરોપીઓ દ્વારા મેફેડ્રોન વેચવામાં આવ્યું હોવાનું કહેવાય છે. મેફેડ્રોન  ડ્રગેને 'મ્યાઉં મ્યાઉ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

પુણે પોલીસે અગાઉ વૈભવ ઉર્ફે પિંટયા માને, અજય કરોસિયા, અને હૈદર  શેખને પકડીને રૃા.બે કરોડનું મેફેડ્રોન જપ્ત કર્યું હતું. પોલીસને હૈદરની પૂછપરછ બાદ  મીઠાના ગોદામમાંથી રૃા. દોઢ કરોડનું મેફેડ્રોન મળી આવ્યું હતું.

પછી પોલીસે વિશ્રાંતવાડીની મીઠાના ગોદામમાં દરોડા પાડયા હતા. અહીં મીઠાના પેકેટમાં ભરવામાં આવેલો બાવન કિલો મેફેડ્રોનનો જથ્થો મલી આવ્યો હતો. ત્યાર બાદ દૌંડના કુરકુંભ એમઆઇડીસીની એક કંપનીમાં દરોડા પાડી વધુ ૫૫૦ કિલો મેફેડ્રોન કબજે કરવામાં આવ્યું હતું. પુણેમાં જુદા જુદા કાર્યવાહીમાં અંદાજે ૭૨૦ કિલો મેફેડ્રોન મળી આવ્યુ ંહતું.

રેકેટની વધુ તપાસ કરતા આરોપીઓએ પુણેની કંપનીમાંથી દિલ્હીમાં પણ મેફેડ્રોન મોકલ્યું હતું. આમ દિલ્હીના ગોદામમાં છાપા મારીને અંદાજે એક હજાર કિલો મેફેડ્રોન જપ્ત કર્યુ ંહતું.

પોલીસે આઠ આરોપીને પકડયા છે. એમાંથી મોટાભાગના મુખ્યત્વે કુરીયર બોયઝ તરીકે કામ કરતા હતા અમૂક સામે કેસ નોંધાયેલા હતા.

પુણે પોલીસે અત્યાર સુધીની કાર્યવાહીમાં રૃા.૪૦૦૦ કરોડથી વધુ કિંમતનો મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો છે.

દિલ્હી બાદ સાંગલીમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાંગલીથી  કુરિયર દ્વારા  આરોપી મીઠાના પાકીટમાં ૧૦ કિલો મેફેડ્રોન અન્ય સ્થળે મોકલવાના હતા. આ ઉપરાંત  કુરિયર મારફત લંડનમાં પણ ડ્રગની ડિલિવરી કરાઇ હોવાનું તપાસમાં માલૂમ પડયું છે.

પુણેથી પકડવામાં આવેલા આરોપી સાંગલીના આયુબ મકાનદારના સંપર્કમાં હોવાની ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી. જેના આધારે સાંગલીના કુપવાડાથી આયુબ અને તેના બે સાથીદારને પકડીને પૂછપરછ કરવામાં આવી હતી. પુણેથી લાવવામાં આવેલો મેફેડ્રોનનો જથ્થો તેમણે કુપવાડામાં સ્વામી મળા ખાતે રૃપમમાં રાખ્યો હતો. પોલીસે અહીં છાપો મારતા ૧૪૦ કિલો મેફેડ્રોન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં એની કિંમત અંદાજે રૃા.૩૦૦ કરોડ છે. 

આરોપી આયુબ મકાનદારની અગાઉ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાઈ હતી. તેને યેરવડા જેલમાં રાખવામાં આવ્યો હતો. પુણે ડ્રગ કેસમાં પકડાયેલા આરોપી સાથે અગાઉ જેલમાં તેની ઓળખાણ થઈ હતી. બાદમાં આયુબે પુણેમાં કંપનીમાં બનાવવામાં આવેલો મેફેડ્રોન મેળવીને કુપવાડામાં રાખ્યું હતું. તે આ મેફેડ્રોન કોને આપવાનો હતો એની તપાસ ચાલી રહી છે.

મુંબઇ, પુણે, દિલ્હી, મીરા-ભાઇંદર, બૉગ્લોર, હૈદરાબાદ અને અન્ય મુખ્ય શહેરમાં આ ટોળકીમાં મેફેડ્રોનનું વેચાણ કર્યું  છે. આથી પુણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને અન્ય તપાસ એજન્સીએ દરેક સ્થળે તપાસ માટે રવાના થઇ ગઇ છે.

આ રેકેટમાં  ડ્રગ માફિયા લલિત પાટીલની સંડોવણીના અત્યારસુધી કોઇ પુરાવા મળ્યા નથી. પુણેમાં  સાસુન હોસ્પિટલમાંથી  આરોપી લલિત પાટીલ ડ્રગ રેકેટ ચલાવતો હતો તેની સામે કાર્યવાહી કરતા નાશિકની ડ્રગ મેન્યુફેકચરિંગ યુનિટ પર દરોડા પાડી રૃા.૩૦૦ કરોડનું મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું.



Google NewsGoogle News