મહારાષ્ટ્રમાં અર્બન નક્સલ વિરોધી કાયદો : 3 વર્ષની કેદ થશે

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં અર્બન નક્સલ વિરોધી કાયદો : 3  વર્ષની કેદ થશે 1 - image


છત્તીસગઢ, તેલંગણા, આંધ્ર અને ઓડિશાને પગલે મહારાષ્ટ્ર પણ કાયદો ઘડશે

નકસલીઓન સમર્થન તથા મદદ પુરી પાડનારા શહેરી  મળતિયાઓ પર તરાપ આવશે :  કોંગ્રેસનો વિરોધ

મુંબઇ :  મહારાષ્ટ્રના શહેરોમાં ફેલાઇ રહેલા અર્બન નક્સલવાદના દૂષણને ડામવા સરકારે આકરી સજાની જોગવાઇ કરતો ખરડો વિધાનસભામાં રજૂ કર્યો હતો. આમાં  ત્રણ વર્ષની કેદ અને ત્રણ લાખના દંડની જોગવાઇ છે.

મહારાષ્ટ્રના ગઢચિરોલી, ગોંદિયા અને ચંદ્રપુર આ ત્રણ નક્સલવાદીગ્રસ્ત જિલ્લામાં નક્સલીઓનો ભારે આતંક છે. હવે નક્સલવાદનું જોખમ જંગલો અને દુર્ગમ ડુંગરાળ વિસ્તાર પૂરતું મર્યાદિત ન રહેતા શહેરોમાં પણ મૂળિયા વ્યાપવા માંડયા છે. એટલે જ આ ખતરાની ગંભીર નોંધ લઇ અર્બન નક્સલવાદને ડામવાના પ્રયાસરૃપે મહારાષ્ટ્ર વિશેષ જનસુરક્ષા વિધેયક- ૨૦૨૪ પ્રધાન ઉદય સામંતે ગઇ કાલે વિધાનસભામાં રજૂ કર્યું હતું.

જંગલોમાં ભમતા નક્સલવાદીઓને શહેરમાં વસતા તેમના મળતિયાઓ તરપથી આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે એટલું જ નહીં સુરક્ષિત શહેરી આશ્રયસ્થાનો પણ હોય છે. થોડા સમય પહેલાં પોલીસે નક્સલવાદીઓ પાસેથી જપ્ત કરેલા પ્રચાર સાહિત્યને આધારે શહેરમાં પણ નક્સલી અડ્ડા અને આશ્રયસ્થાનોની જાણકારી મળી હતી. શહેરી નક્સલવાદીઓ કોલેજના વિદ્યાર્થીઓને ભરમાવવાની, સમાજમાં અશાંતિ ઉભી કરવાની, યુવાનોનું બ્રેઇન વોશિંગ કરવાની અને ઉશ્કેરણી ફેલાવવાની કુપ્રવૃત્તિ કરતા હોય છે. એટલે જ રાજ્ય વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એ પહેલાં આ ખરડો સરકારે રજૂ કર્યો છે.

નક્સલવાદનો સામનો કરતા છત્તીસગઢ, તેલંગણા, આંધ્ર પ્રદેશ અને ઓડિશાએ ઘડેલા નક્સલવાદ- વિરોધી કાયદાને પગલે મહારાષ્ટ્રએ આ કાયદો ઘડવાનો નિર્ણય લીધો હતો. આ બધા જ રાજ્યોએ ૪૮ નક્સલવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે છેલ્લી ઘડીએ ખરડો માંડવામાં આવતા અને તેની નકલ અગાઉથી આપવામાં ન આવતા વિરોધ વ્યક્ત કર્યો હતો.

ખરડામાં શું છે જોગવાઇ?

- શહેરમાં કોઇ વ્યક્તિ પકડાય જે પ્રતિબંધિત સંગઠનની સદસ્ય હોય, તેની બેઠકમાં ભાગ લેતી હોય અથવા આ સંગઠનના કૃત્યમાં સામેલ હોય તો તેને ત્રણ વર્ષની કેદ અને ત્રણ લાખના દંડની જોગવાઇ છે.

-   કોઇ વ્યક્તિ ખુદ પ્રતિબંધિત સંગઠનની સભ્ય ન હોય પણ આવા કોઇ પણ સંગઠનના સભ્યને આશરે સામે અથવા મદદરૃપ થાય તો તેને બે વર્ષ સુધીની કેદ અને બે લાખ રૃપિયા સુધીનો દંડ થઇ શકે છે.

- ગેરકાયદે સંગઠનની વ્યવસ્થા સંભાળનારા અથવા તો આવા સંગઠનની બેઠકનું આયોજન કરવામાં ભાગ ભજવનારાને માટે ત્રણ વર્ષ કારાવાસ અને ત્રણ લાખ સુધીના દંડની જોગવાઇ છે.

-  કોઇ વ્યક્તિ ગેરકાયદે સંગઠનના માધ્યમથી અનધિકૃત કૃત્ય કરે અથવા તો આવું કૃત્ય કરવાની વેતરણમાં હોય અને પકડાય તો તેને સાત વર્ષની કેદ અને પાંચ લાખ સુધીનો દંડ થઇ શકે છે.

- ગેરકાયદે સંગઠનના સભ્યની સ્થાવર અને જંગમ મિલ્કત જપ્ત કરવાની જોગવાઇ.

- ઉપરોક્ત બધા જ ગુના દખલપાત્ર અને બિનજામીનપાત્ર છે.



Google NewsGoogle News