મુંબઈમાં વાયુ પ્રદૂષણ વધતાં એન્ટી સ્મોગ ગનનો ઉપયોગ થશે

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
મુંબઈમાં વાયુ પ્રદૂષણ વધતાં એન્ટી સ્મોગ ગનનો ઉપયોગ થશે 1 - image


મહાપાલિકાએ 30 એન્ટી ગન સ્મોગ ગન ખરીદવા  ટેન્ડર પ્રગટ કર્યું

મોટા પાયે ચાલતાં બાંધકામોથી હવામાં પ્રદૂષણના થરઃ એન્ટી સ્મોગ ગન હવામાં પાણીનો મારો ચલાવી ધૂળ-રજકણનું પ્રમાણ ઘટાડશે

મુંબઈ :  મુંબઈમાં દિન પ્રતિદિન વાયુ પ્રદૂષણ વધી રહ્યું હોવાથી હવે વાહન પર ફિક્સ બેસાડેલી અને પાણીનો ફૂવારો છોડી પ્રદૂષિત કણોને વિખેરતી એન્ટી સ્મોગનો ઉપયોગ કરવો પડે તેવી નોબત આવી ગઈ છે. મહાપાલિકાએ આવી ૩૦ એન્ટી સ્મોગ ગન ખરીદવા માટે ટેન્ડર બહાર પાડયું છે. જોકે, મુંબઈમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલાં પ્રદૂષણને નાથવાના કોઈ નક્કર, લાંબા ગાળાના અને પૂર્વનિવારક ઉપાયો કરવામાં મહાપાલિકા નિષ્ફળ ગઈ છે. 

ગત કેટલાંક દિવસથી શહેરમાં ચોમાસા બાદની હવાની ગુણવત્તામાં ઘટાડો જોવા મળ્યો છે.  છેલ્લા કેટલાક દિવસોથી શહેરનો એક ક્વોલિટી ઈન્ડેક્સ સતત ગગડી રહ્યો છે. 

આ પ્રદૂષણના અનેક કારણો છે પરંતુ એમ મનાય છે કે ખાસ તો મેટ્રો, રસ્તાના કામ સહિત મોટા પ્રમાણમાં ચાલી રહેલ બાંધકામોને લીધે મોટા પાયે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. પ્રદૂષણ નિયંત્રણ અને વિવિધ પ્રકારના કામોમાંથી નિર્માણ થતી ધૂળના નિયંત્રણ માટે મુંબઈ મહાપાલિકા પ્રયાસો કરી રહી છે. તે અંતર્ગત મુંબઈ મહાપાલિકાએ એન્ટી સ્મોક ગન લેવાનો વિચાર કર્યો છે.

અત્યારે મુંબઈમાં આવી માત્ર એક જ ગન છે અને તેનો ઉપયોગ માત્ર કોરોના કાળમાં જ કરવામાં આવ્યો હતો. હવે આ પ્રકારની ૩૦ ગન ખરીદવાનો નિર્ણય મુંબઈ મહાપાલિકાએ કર્યો છે. વૉર્ડ સ્તરે આ ગનનો  ઉપયોગ કરશે.  આ ગનમાંથી હવામાં પાણીનો ફૂવારો છોડવામાં આવે છે. તેથી હવામાં રહેલાં ઘન તથા પ્રદૂષિત કણ નીચે બેસી જાય છે. જેથી હવાની ગુણવત્તા  સુધરે છે. આ ગનમાંથી અધિકાધિક ૫૦ મીટર સુધી પાણીનો મારો કરી શકાય છે, એવી માહિતી પાલિકાના સૂત્રોએ આપી છે.



Google NewsGoogle News