ઉદ્ધવ પર વધુ એક ગાળિયોઃ બીએમસીનું ૨૫ વર્ષનું ઓડિટ થશે

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
ઉદ્ધવ પર વધુ એક ગાળિયોઃ બીએમસીનું ૨૫ વર્ષનું ઓડિટ થશે 1 - image


રાજ્ય સરકારે ઓડિટ કમિટી રચી, શ્વેત પત્ર પ્રગટ કરાશે

અગાઉ પાલિકાના 12000 કરોડના કૌભાંડોની  કેગ તપાસના આદેશ બાદ હવે શિવસેનાના સમગ્ર 25 વર્ષના શાસનના વ્યવહારો ચકાસાશે

મુંબઈ  - ઉદ્ધવ ઠાકરે તથા તેમના વડપણ હેઠળની શિવસેના યુબીટીના નેતાઓ તથા તે સમયના તેમની નિકટના પાલિકા અધિકારીઓ ફરતે વધુ ગાળિયો ભીંસવાના એક પગલાં રુપે મહારાષ્ટ્ર સરકારે મુંબઈ મહાનગરપાલિકાના છેલ્લા પચ્ચીસ વર્ષના શાસનના તમામ નાણાંકીય  વ્યવહારોના ઓડિટનો આદેશ આપ્યો છે. અગાઉ, મહાપાલિકાના હિસાબોનું ઓડિટ કરી ૧૨, ૦૦૦ કરોડના કૌભાંડ બાબતે તપાસ ચાલુ થઈ ચુકી છે. શિવસેના શાસન વખતે કોરોના કાળ દરમિયાન અપાયેલા વિવિધ કોન્ટ્રાક્ટસમાં પણ તપાસ અને પોલીસ ફરિયાદોનો સિલસિલો ચાલુ છે. હવે છેલ્લાં અઢી દાયકાના તમામ નાણાંકીય વ્યવહારોની તપાસ દ્વારા ઉદ્ધવ સહિત તેમની પાર્ટીના વધુ નેતાઓને સાણસામાં લેવાનો તખ્તો ઘડાયો છે. 

લ્લેખનીય છે કે મુંબઈ મહાપાલિકામાં ૧૯૮૫થી સતત ત્યારની અવિભાજિત શિવસેનાનું શાસન રહ્યું હતું. છેલ્લે મહાપાલિકાની ચૂંટણી ૨૦૧૭માં થઈ હતી. તે પછી ગયાં વર્ષે ચૂંટાયેલા બોર્ડની મુદ્દત પૂર્ણ થઈ ચુકી છે અને ચૂંટણી થઈ નથી. ત્યારથી મહાપાલિકામાં વહીવટદારનું જ શાસન છે. ૨૦૧૭માં અવિભાજિત શિવસેના સત્તા પર આવી હતી. તે પછી ગયાં વર્ષે શિવસેનામાં ભાગલા પડયા હતા. 

રાજ્ય સરકાર અગાઉ પણ મહાપાલિકામાં ૧૨,૦૦૦ કરોડના કૌભાંડ મુદ્દે  કેગ દ્વારા તપાસના આદેશો આપી ચુકી છે. કેગના અહેવાલ બાદ મુંબઈ પોલીસ દ્વારા તેની તપાસ પણ શરુ થઈ ચૂકી છે .આ સિવાય કોવિડ કાળમાં મહાપાલિકા દ્વારા જમ્બો કોવિડ સેન્ટરની રચના, ખીચડી વિતરણ, બોડી બેગ કોન્ટ્રાક્ટ વગેરેમાં પણ પોલીસ કેસ થયા છે અને ઉદ્ધવ જૂથના સંખ્યાબંધ નેતાઓ તથા તેમના નિકટવર્તી લોકોની કાં તો ધરપકડ થઈ છે અથવા તો તેમની સામે વિવિધ એજન્સીઓની તપાસ શરુ થઈ છે. 

રાજ્યના પ્રધાન ઉદય સામંતે જણાવ્યું હતું કે સરકારે એક ઓડિટ કમિટી રચી છે અને આ કમિટીના અહેવાલ બાદ સરકાર શ્વેત પત્ર પ્રગટ કરશે. 

અહીં પત્રકારો સાથે વાત કરતા સામંતે જણાવ્યું હતું કે પાલિકાની કામગીરી અંગે વિધાનસભામાં ચર્ચા દરમિયાન આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો   ધારાસભ્યોએ પાલિકાની નાણાકીય બાબતો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને છેલ્લા પચ્ચીસ વર્ષમાં તેના વ્યવહારો અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું.

  સામંતે  દાવોે કર્યો કે સમિતિની રચના કરવાનો નિર્ણય વિધાનસભાની ચર્ચા દરમિયાન  પાલિકા નાગરિકની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરતી ચિંતાઓને કારણે થયો હતો. ધારાસભ્યોએ પાલિકાની નાણાકીય બાબતો અંગે આશંકા વ્યક્ત કરી હતી.જેના કારણે છેલ્લા અઢી દાયકામાં થયેલા  તેના વ્યવહારો અંગે શંકાઓ અને પ્રશ્નો ઉભા થયા હતા.



Google NewsGoogle News