ખાલાપુર પાસે વધુ એક ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશઃ 106 કરોડનું મેફેડ્રોન જપ્ત
સજગાંવની કેમિકલ ફેક્ટરીમાં મેફેડ્રોન બનાવાતું હતું
ફેક્ટરી સીલ કરી 3ની ધરપકડઃ મહારાષ્ટ્રમાં અંતરિયાળ વિસ્તારોમાં ડ્રગ ફેક્ટરીઓ પકડાવાનો સિલસિલો ચાલુ
મુંબઇ : મહારાષ્ટ્રના રાયગઢમાં કેમિકલ ફેક્ટરીમાં મેફેડ્રોન ડ્રગ બનાવવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ફેક્ટરીમાં દરોડા પાડી પોલીસે રૃા. ૧૦૬ કરોડ કિંમતનું મેફેડ્રોન, કાચોમાલ, કેમિકલનો જથ્થો કબજે કર્યો છે. આ રેકેટમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ડ્રગ બનાવવા અને વેચાણમાં સંડોવાયેલા અન્ય આરોપીની માહિતી પોલીસ મેળવી રહી છે. સિનિયર પોલીસ ઇન્સ્પેકટર શિતલ રાઉતે જણાવ્યું હતું કે ખાલાપુરના સજગાવમાં આવેલી કંપનીમાં ગઇકાલે માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. ફેક્ટરીમાં ડ્રમમાંથી ૮૫.૨ કિલો મેફેડ્રોન મળ્યું હતું. પોલીસે કંપની સીલ કરી જરૃરી કાર્યવાહી હાથ ધરી હતી. કંપનીમાંથી ત્રણ કર્મચારી કમલ જેસવાણી (ઉં.વ.૪૮), મલિન શેખ (ઉં.વ.૪૫), એન્થોની કુરુકુટ્ટીકરનને પકડયા હતા.
આ ત્રિપુટી સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એકટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસની ટીમને ત્રણ ડ્રમમાંથી ૩૦ કિલો, અને ૨૫.૨ કિલો મેફેડ્રોન મળી આવ્યું હતું. એની કિંમત રૃા. ૧૦૬.૫ કરોડ છે. માર્કેટમાં એક કિલો મેફેડ્રોનની કિંમત રૃા. ૧.૨૫ કરોડ છે.
પોલીસે મેફેડ્રોન બનાવવા માટેનો કાચો માલ અને કેમિકલ કબજે કર્યો હતો એની કિંમત રૃા. ૧૫.૩૭ લાખ છે. નોંધનીય છ ેકે ગત થોડા મહિનામાં મહારાષ્ટ્રમાં જુદા જુદા સ્થળે ડ્રગ્સ બનાવવાના કારખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એમાં અનેકની ધરપકડ કરાઇ છે. અગાઉ ડ્રગ માફિયા લલિત પાટીલ અને અન્યને પકડવામાં આવ્યા હતા. નાશિકની ડ્રગ ફેક્ટરીમાં પાટીલની સંડોવણી હતી.
પુણેની સસૂન હોસ્પિટલમાંથી જ પાટીલ ડ્રગ રેકેટ ચલાવતો હતો. તે હોસ્પિટલમાંથી પીલીસને હાથતાળી આપી બિન્દાલીપગો નાસી ગયો હતો. બે અઠવાડિયા પછી તેને ઝડપી લેવામાં આવ્યો હતો.