સલમાન ખાન અને ઝિશાન સિદ્દીકીને મારી નાખવાની વધુ એક ધમકી
નોઇડાથી ધમકી આપનારા યુવકની ધરપકડ
બાંદરા (પૂર્વ)માં ઝિશાનના જનસંપર્ક કાર્યાલયમાં કૉલ કર્યો, મજાક મસ્તીમાં ધમકી આપી હોવાની શક્યતા
મુંબઇ : બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને વિધાનસભ્ય ઝિશાન સિદ્દીકીને મારી નાખવાની ધમકી આપનારા ૨૦ વર્ષીય યુવકની નોઇડાથી ધરપકડ કરવામાં આવી છે . ધમકીભર્યો કૉલ બાંદરા (પૂર્વ)માં ઝિશાનના જનસંપર્ક કાર્યાલયમાં કરવામાં આવ્યો હતો. આરોપીએ પૈસાની માંગણી કરી હોવાનું કહેવાય છે. તેણે મજાકમસ્તીમાં ધમકી આપી હોવાની ચર્ચા થઇ રહી છે. જોકે સલમાન ખાન અને ઝિશાન સિદ્દીકી ગેગસ્ટર લોરેન્સ બિશ્નોઇના રડાર પર હોવાથી પોલીસ દરેક ધમકીને ગંભીરતાથી લઇ રહી છે.
આ મામલે નિર્મલનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. નિર્મલ નગર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ શરૃઆતમાં ધારાસભ્ય ઝિશાન સિદ્દીકીના ઓફિસના હેલ્પલાઇન નંબર પર ધમકીભર્યો મેસેજ કર્યો હતો. બાંદમાં તેના પર વૉઇસ કોલ કરી સિદ્દીકી અને સલમાન ખાનને મારી નાખવની ધમકી આપી હતી. ગત શુક્રવારે ધમકી મળ્યા બાદ પોલીસ વધુ સતર્ક બની ગઇ હતી. તેણે આરોપીને પકડવા ઝીણવટભરી તપાસ આદરી હતી.
પોલીસે આરોપીના ફોન નંબર, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાની મદદથી નોઇડાથી તેની ધરપકડ કરી હતી. આરોપી મોહમ્મદ તૈયબ ઉર્ફે ગુરફાન ખાનને પકડીને મુંબઇ લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઝીશાન સિદ્દીકીએ સોમવારે અજીત પવારની એનસીપી હેઠળ આગામી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. બાંદરા (પૂર્વ)માંથી ચૂંટણી લડનારા ઝિશાને અભિનેતા સલમાન ખાનનું તેને સમર્થન હોવાનું કહ્યું હતું.
એનસીપી નેતા અને રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકી અને તેના પુત્ર ઝિશાન સિદ્દીકીની હત્યા માટે સુપારી આપવામાં આવી હતી. ૧૨ ઓકટોબરના દશેરાની રાતે જિશાન સિદ્દીકીની ઓફિસ પાસે જ બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરાઇ હતી ત્યારે ઝિશાન બચી ગયા હતા. બાદમાં સોસિયલ મીડિયા પર લોરેન્સ બિશ્નોઇ ગેંગે હત્યાની જવાબદારી સ્વિકારી હતી.
અભિનેતા સલમાન ખાન સાથે નજીકના સંબંધ હોવાથી બાબા સિદ્દીકીની હત્યા કરવાનો દાવો કરાયો હતો. અગાઉ અનેક વખત લોરેન્સ બિશ્નોઇએ સલમાનને મારી નાખવાની ધમકી આપી છે. આ ઉપરાંત તેના નિવાસસ્થાને ગોળીબાર કરાયો હતો.
બાબા સિદ્દીકીના મર્ડર બાદ પણ ઝિશાન સિદ્દીકીની પોલીસ સિરક્ષામાં ખામી જોવા મળી હતી. ઝિશાનના ઘર પાસે તૈનાત પોલીસ કોન્સ્ટેબલ ડયુટી પરથી ગાયબ હોવાથી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તેને સસ્પેન્ડ કર્યો હતો.