9 વર્ષની પુત્રી પથારી ભીની કરતી હોવાથી નારાજ માતાએ ડામ આપ્યા
બાળાને પીઠ, સાથળ અને ગુપ્ત ભાગમાં ડામ દીધા
કિશોરીએ વેદનાથી ચીસાચીસ કરતાં દોડી આવેલા પડોશીઓએ પોલીસ હેલ્પલાઈન પર જાણ કરીઃ માતા સામે ગુનો દાખલ
મુંબઇ : માનખુર્દના શિવાજીનગર વિસ્તારમાં પરિવાર સાથે રહેતી નવ વર્ષની એક બાળા ઉંઘમાં સતત પથારી ભીની કરતી હોવાથી રોષે ભરેયાલી તેની માતાએ તેને ડામ આપતા તે ગંભીર ઈજા પામી હતી. બાળાની માતાએ તેને પીઠ, સાથળ અને ગુપ્ત ભાગમાં ડામ આપ્યા હતા. આ ઘટના બાદ બાળાના પાડોશીઓએ આ બાબતની જાણ પોલીસ કન્ટ્રોલરૃમની હેલ્પ લાઇન પર કરતા પોલીસે મહિલા સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બાબતે નોંધાયેલી ફરિયાદ મુજબ આ ઘટના ૧૪ જુલાઈના માનખુર્દ-શિવાજીનગર વિભાગના બૈગનવાડી વિસ્તારમાં બની હતી. નવ વર્ષની બાળા મહેરુન્નિસા તેની માતા અને આ કેસની આરોપી કોહિનૂર ખાતુન અને તેના સાવકા પિતા તેમ જ તેના અન્ય ભાઈ-બહેનો સાથે રહે છે. મહેરુન્નિસાને પેશાબ પર નિયંત્રણ રહેતું ન હોવાથી તેનાથી પથારી ભીની થઈ જતી હતી. ૧૪ જુલાઈના તે જ્યારે ઉંઘમાંથી ઉઠી ત્યારે પણ પથારી ભીની થયેલી જોવા મળી હતી. આ વાતથી તેની માતા કોહિનૂલ ખાતૂન ખૂબ રોષે ભરાઈ હતી અને ગુસ્સામાં તેણે એક ચમચો ગરમ કરી મેહરુન્નિસાને પીઠ, સાથળ અને છેલ્લે ગુપ્ત ભાગમાં ડામ આપ્યા હતા. આ ઘટનાને લીધે બાળા વેદનાથી કણસવા માંડી હતી અને ચીસાચીસ કરી મૂકતા પાડોશીઓ દોડી આવ્યા હતા.
આ વાતથી ભડકેલી આરોપીએ પાડોશીઓને આ તેમનો અંગત મામલો હોઈ તેમાં વચ્ચે ન પડવાનું જણાવ્યું હતું. આ સાથે જ પાડોશીઓને અપશબ્દો કહી ભગાડી મૂક્યા હતા. પાડોશીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા, પણ તેમણે મુંબઈ પોલીસની હેલ્પલાઇન પર ફોન કરી આ બાબતની ફરિયાદ કરી સત્વરે પગલા લેવા જણાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ શિવાજીનગર પોલીસની એક ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હતી અને પીડાથી કણસતી મેહરુન્નિસાને તરત જ વધુ સારવાર માટે પાસેની એક હોસ્પિટલમાં ખસેડી હતી. આ ઘટના બાદ પોલીસે બાળા અને તેના અમુક પાડોશીઓ સાથે મહિલાને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં બોલાવી હતી અને તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૫૨, ૧૧૮(૧), ૧૧૫(૨) તેમ જ જુવેનાઇલ જસ્ટિસ કાયદા (બાળકોની સારસંભાળ અને સંરક્ષણ)ની કલમ ૭૫ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે આ પ્રકરણે કોઈ ધરપકડ કરી નહોતી. પોલીસે આપેલ વધુ માહિતી મુજબ આરોપી મહિલા તેના પતિ અને ચાર બાળકો સાથે બૈગનવાડી વિસ્તારમાં રહે છે. તેને પહેલા પતિથી બે અને બીજા પતિથી બે બાળકો છે. તે અવારનવાર નજીવા કારણોસર તેના બાળકોને ઢોર માર મારતી હોવાનું પણ બહાર આવ્યું હતું.