Get The App

સિદ્દીકીના દાઉદ, 93ના ધડાકા સાથે સંબંધ હોવાથી ઠાર કરવાનું અનમોલે નક્કી કર્યું હતું

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
સિદ્દીકીના દાઉદ, 93ના ધડાકા સાથે સંબંધ હોવાથી ઠાર કરવાનું અનમોલે નક્કી કર્યું હતું 1 - image


એનસીપીના નેતાની હત્યાના મુખ્ય શૂટરનું કબૂલાતનામું

હત્યાના બદલામાં રૃ.15 લાખ અપાવાનું વચન અપાયું હતું, પોલીસની ચાર્જશીટમાં શિવકુમાર ગૌતમનાં કબૂલાતનામાંનો સમાવેશે

મુંબઈ -  એનસીપીના નેતા બાબા સિદ્દીકીના દાઉદ ઈબ્રાહિમ સાથેના સંબંધ અને ૧૯૯૩ના બોમ્બ ધડાકામાં  સંડોવણીને લઈને ગેન્ગસ્ટર અનમોલ બિશ્નોઈએ હુમલાનો આદેશ આપ્યો હોવાનું મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમે પોલીસને આપેલા કબૂલાતનામામાં જણાવ્યું છે.

ગૌેતમના કબૂલાતનામાને પોલીસે કોર્ટમાં દાખલ કરેલા આરોપનામામાં સમાવિષ્ટ કરાયું છે. ગૌતમે દાવો કર્યો હતો કે બાબા સિદ્દીકી અથવા ઝીશાન સિદ્દીકીની હત્યા કરવા માટે તેને ૧૫ લાખ આપવાનું વચન અપાયું હતું.  પુણેમાં પોતે ભંગાર એકઠા કરવાનું કામ કરતો હતો અને સહઆરોપી હરીશ કશ્યપને વેચતો હતો. કશ્યપની ભંગારની દુકાન હતી અને તેણે રોકાવાની વ્યવસ્થા કરી હતી અને એ દરમ્યાન પ્રવીણ લોણકર અને તેના ભાઈ શુભમ લોણકરના સંપર્કમાં આવ્યો હતો.

એક દિવસ શુભમે શૂટરને જણાવ્યું હતું કે તે અને તેનો ભાઈ બિશ્નોઈ ગેન્ગ માટે કામ કરે છે. જૂન ૨૦૨૪માં શુભમ  (શુબ્બુ)એ મને અને ધર્મરાજ કશ્યપ  (સાથી શૂટર) ને જણાવ્યું હતું કે જો તેના વતી અમે એક કામ કરીશું તો અમે રૃ.૧૦થી ૧૫ લાખ આપશે. કામ શું છે એમ પૂછતાં તેણે બાબા સિદ્દીકી અથવા તેના પુત્ર ઝીશાન સિદ્દીકી નામની વ્યક્તિની હત્યા કરવાનું જણાવ્યું હતું. તેણે વધુ માહિતી આપી નહોતી. થોડા દિવસ બાદ શુભમે ફરી કામ યાદ અપવાતાં અમે પૈસા માટે તૈયાર છીએ એમ જણાવ્યું હતું.

એક દિવસ શુભમે અનમોલ બિશ્નોઈને સ્નેપચેટ દ્વારા મોબાઈલ પરથી વિડિયો કોલ કર્યો હતો. બિશ્નોઈએ અમને  કહ્યું હતું કે જે વ્યક્તિને મારવાનો છે તે દાઉદ ઈબ્રાહિમ સાથે સંકળાયેલો છે અને બોમ્બ ધડાકામાં સંડોવાયેલો છે, અમે ગૌતમે દાવો કર્યો હતો.

બિશ્નોઈએ અમને પ્રોત્સાહિત કર્યા હતા અને પૈસાની જરૃર હશે તો શુભમ તેમને આપશે એમ જણાવ્યું હતું. વાતચીત પરથી લોણકર ભાઈઓ બિશ્નોઈ ગેન્ગ માટે કામ કરતા હોવાનું અમને સમજાયું હતું.  શુભમના કહેવાથી મોબાઈલ પર સ્નેપચેટ ડાઉનલોડ કર્યું અને અનમોલ બિશ્નોઈ સાથે સીધી વાત કરવા લાગ્યો હોવાનું શૂટરે જણાવ્યું હતું.

શુભમે પોતાને જણાવ્યું હતું કે હત્યા બાદ પોતાની ગેન્ગનું કોઈ ફેસબુક પર મેસેજ મૂકીને જવાબદારી સ્વીકારશે. હત્યાના થોડા દિવસ પૂર્વે ગૌતમ અને કશ્યપને જાણ થઈ  હતી કે શુભમે અમૃતસરથી મુંબઈ ગુરમૈલ સિંહ નામની અન્ય વ્યક્તિને કામ માટે મોકલાવી છે. શુભમે તેમને ફાયરિંગ પ્રેક્ટિસ કરવા જણાવ્યું હતું. ત્રણે શૂટરો ખોપોલી રેલવે સ્ટેશન પાસેના જંગલમાં શૂટિંગની પ્રેક્ટિસ કરતા હતા અને અનમોલ અને શુભમને સ્નેપચેટ પર આની માહિતી આપી હતી.

ગૌતમના કબૂલાતનામા પરથી બાબા સિદ્દીકી અને તેના પુત્રને ગુગલ અને ઓફિસ બહારના પોસ્ટર પરથી ઓળખ્યા હતા. અનમોલ અને શુભમે સિદ્દીકીના સરનામા સ્નેપચેેટ પર મોકલાવ્યા હતા.

ગૌતમ ઉપરાંત અન્ય છના કબૂલાતનામા પણ આરોપનામામાં જોડાયા છે. ગુરમૈલના કબૂલાતનામામાં દાવો કરાયો છે કે ઓગસ્ટ ૨૦૨૨માં માતાના મૃત્યુ બાદ તેની માનસિક હાલત ખરાબ હતી. સિંહને ૫૦ હજાર અને દેશની બહાર ભગાડી દેવાની ઓફર અપાઈ હોવાનું તેના નિવેદનમાં જણાવાયું છે.



Google NewsGoogle News