ધાક જમાવવા માટે અનમોલ બિશ્નોઈએ બાબા સિદ્દિકીની હત્યા કરાવી
સિદ્કી હત્યા કેસમાં 4590 પાનાનું ચાર્જશીટ
હત્યા કેસમાં અત્યાર સુધી ઝડપાયેલા ૨૬ આરોપીઓ સામે ચાર્જશીટઃ અનમોલ, શુભમ અને મોહમ્મદ અખ્તરને ફરાર
મુંબઈ : એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં પોલીસે સોમવારે કોર્ટમાં આરોપનામું દાખલ કરીને ગેન્ગસ્ટર અનમોલ બિશ્નોઈએ પોતાની સંગઠીત ગુનાખોર ટોળકી મારફત ધાક બેસાડવા માટે હત્યા કરાવી હોવાનું જણાવ્યું છે.
વિશેષ કોર્ટમાં દાખલ કરાયેલા ૪૫૯૦ પાનાંના આરોપનામામાં પકડાયેલા ૨૬ અને ફરાર ત્રણ આરોપીનાં નામ છે જેમાં જેલવાસભોગવી રહેલા લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈનો પણ સમાવેશ છે.
આરોપનામા અનુસાર અનમોલ બિશ્નોઈએ સિદ્દીકીની હત્યાનું કાવતરું ઘડયું હતું અને તેનો ઈરાદો ગુનાહિત ટોળકી પર વર્ચસ અને ધાક જમાવવાનો હતો.
અનમોલ ઉપરાંત અન્ય ફરાર આરોપીઓમાં મોહમ્મદ યાસિન અખ્તર અને શુભમ લોણકરનો સમાવેશ છે.
પોલીસે અત્યાર સુધી ૨૬ આરોપીની ધરપકડ કરીને તેમની સામે મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (એમસીઓસીએ) લાગુ કરાયો છે. તામમ આરોપી હાલ અદાલતી કસ્ટડીમાં છે.
સિદ્દીકી (૬૬)ને ૧૨ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ ત્રણ હુમલાખોરોએ બાંદરામાં તેમના પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ઠાર કર્યા હતા.
આ કેસમાં પોલીસે અત્યાર સુધી ૮૮ જણના નિવેદન રેકોર્ડ કર્યા છે અને ૧૮૦ સાક્ષીદારોની યાદી તૈયાર કરી છે જેમાં ભૂતપૂર્વ વિધાનસભ્ય અને બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીનો સમાવેશ છે. આ ઉપરાંત પાંચ પિસ્તોસ છ મેગઝીન અને ૩૫ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.
તપાસકારોએ અગાઉ કોર્ટને જણાવ્યું હતું કે ગુનામાં લોરેન્સ બિશ્નોઈની ભૂમિકા નથી જણાઈ. અનમોલ બિશ્નોઈ અલગ ગેન્ગ ઓપરેટ કરે છે ખાસ કરીને ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મધ્ય પ્રદેશમાં સક્રિય છે. સરકારી પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે અનમોલ બિશ્નોઈ ગેન્ગ લીડર તરીકે ધાક જમાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
મુંબઈ પોલીસ અધિકારીએ નવેમ્બરમાં જણાવ્યું હતું કે અમેરિકન ઓથોરિટીએ તેમના દેશમાં અનમોલ હોવાની માહિતી આપ્યા બાદ તેમણે અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણ માટે પ્રસ્તાવ મૂક્યો છે.
લોરેન્સ અને અનમોલ બંને સલમાન ખાનના ઘર પર ગોળીબારની ઘટનામાં ફરાર આરોપી છે. ઘટનાની જવાબદારી લેનાર અનમોલ સામે એપ્રિલમાં લુક આઉટ સર્ક્યૂલર જારી કર્યો હતો. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ અનમોલની માહિતી આપનાર માટે રૃ. દસ લાખનું ઈનામ જાહેર કર્યું છે. લોરેન્સ બિશ્નોઈ હાલ ગુજરાતની સાબરમતી જેલમાં છે.