પશુ પંખી સૂર્યપ્રકાશના આધારે મૂળ સ્થાને પાછાં ફરે છેઃ રોબોટે ઉકેલ્યું રહસ્ય
આઈઆઈટીએ પશુપક્ષીની કુદરતી સૂઝ વિશે જાણવા રોબોટનો આશરો લીધો
અભ્યાસ માટે રોબોટ બનાવી પ્રાણીઓની પ્રાકૃતિક ક્રિયાના પ્રોગ્રામિંગ કરાયું, પ્રકાશનું સ્તર બદલાતાં રોબોટ મૂળ સ્થાને પાછો આવ્યો
મુંબઇ : ચરવા ગયેલાં પશુઓ સાંજે બરોબર ઘરે પાછાં આવી જાય છે, બિલાડીઓ પણ પોતાના માલિકને ઘરે રસ્તો ભૂલ્યા વિના આવી જાય છે અને કબૂતરો પણ લાંબી ઉડ્ડાનની રેસ લગાવી પાછા પોતાના માળે ફરી જાય છે. તેમને આ રસ્તો કેવી રીતે યાદ રહે છે, તેઓ રસ્તો કઈ રીતે શોધે છે તે બાબતે ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) બોમ્બેના સંશોધકોએ રહસ્ય ઉકેલ્યું છે.
પ્રાણીઓનું ઘરે પાછા ફરવાની કુદરતી ક્રિયા પાછળનું રહસ્ય ઉકેલવા આઈઆઈટી બોમ્બેએ સજીવ બાબતોની ભૌતિક ક્રિયાઓનો અભ્યાસ કર્યો. તેમાં સજીવોની હિલચાલની નકલ કરવા માટે કેટલાંક સેન્ટીમીટર આકારના સ્વયંચલિત યંત્રમાનવ (રોબોટ) તૈયાર કર્યા. તેમાં પ્રાણીઓની ખોરાક શોધવા માટેની પ્રવૃત્તિ અને મૂળ સ્થાને પાછા ફરવાની હથોટીનું અનુકરણ કરાયું. પ્રાણી અન્નનો શોધ કરતી વખતે મુક્તપણે વિહાર કરતાં હોય છે. તેવી સૂચના રોબોટને આપવામાં આવી. રોબોટના રોટેશનલ ડિફ્યુઝનને કારણે તે પોતાની દિશા પોતે બદલી અહીં તહીં ફરી રહ્યો હતો. માર્ગદર્શક પ્રકાશને ધ્યાનમાં લઈ પાછા ફરવાનો માર્ગ શોધવા રોબોટમાં અલગ પ્રોગ્રામિંગ મૂકાયું. પ્રકાશનું સ્તર બદલાતાં રોબોટ ફરી મૂળ સ્થાને આવ્યો. ત્યારબાદ સૂર્યપ્રકાશમાં થતાં બદલાવ અને પર્યાવરણના અન્ય કેટલાંક સંકેત વાપરી પ્રાણીઓ પોતાનો મૂળ માર્ગ શોધતાં હોવા જોઈએ, એવું આઈઆઈટી મુંબઈના ભૌતિકશાસ્ત્ર વિભાગના આસિ.પ્રોફેસર ડૉ.નિતીન કુમારે જણાવ્યું છે.
સંશોધનમાં એ પણ જણાયું કે પ્રાણીઓ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતી હોય તો પણ સૂર્યપ્રકાશ અને દિશાના આધારે પોતાના મૂળ સ્થાને પાછાં ફરતાં હોય છે એવું તારણ રોબોટ સામે ઊભી કરાયેલી વિકટ પરિસ્થિતીઓ પરથી આવ્યું. સંશોધકોએ પ્રત્યક્ષ રોબોટ સાથે જ પ્રાણીની ગતિનું અનુકરણ કરતાં આભાસી રોબોટ પણ તૈયાર કર્યા હતાં. બંનેનું પરિણામ સમાન જ આવ્યું. સ્વગૃહાગમન પ્રક્રિયામાં તેમણે કબૂતરના કાફલાનો માર્ગ પણ તપાસ્યો. તેમાં પણ સંશોધકોનું તારણ મળતું આવ્યું. આથી આ અભ્યાસને કારણે સાંજે પ્રાણીઓ કઈ રીતે માર્ગ શોધે છે તે કળી શકાયું છે. ભવિષ્યના અભ્યાસમાં પ્રકાશની તીવ્રતામાં સ્થળ, કાળ મુજબ થતાં બદલાવો અને રસ્તાની વધુ અડચણો રોબોટમાં ઉમેરી સંશોધન કરવાનો પણ સંશોધકોનો હેતુ છે.