માથેરાનમાં પ્રાણી, પક્ષી, જીવજંતુએ ચોમાસાના આગમનનો સંકેત આપ્યો
ઇકો-સેન્ઝિટિવ ઝોનમાં આવેલા હિલ સ્ટેશનમાં જીવસૃષ્ટિની તૈયારી
પક્ષી માળા બાંધવા માંડયા, ચાતક પંખી પીઉ... પીઉ.... ટહુકા કરે છે અને કીડીઓ દરમાં 'ખાધાખોરાકી'નો સંગ્રહ કરવા માંડી
મુંબઇ : મુંબઈથી સૌથી નજીક આવેલું હિલ સ્ટેશન જૈવવૈવિધ્ય માટે જાણીતું છે. ઇકો-સેન્ઝિટિવ ઝોનમાં આવેલા માથેરાનમાં પ્રાણી, પક્ષી અને જીવજંતુએ ચોમાસાના આગમનના સંકેત આપવા માંડયા છે.
મોટા ભાગના પક્ષીઓ માળા બાંધવા માંડયા છે. મુંબઈ મહાપાલિકા સમયસર ચોમાસા પહેલાંના કામ પૂરા કરી નથી શકતી. જ્યારે પક્ષીઓએ માળાનું બાંધકામ લગભગ પૂરું કરી નાખ્યું છે. ચાતક પક્ષી આભ સામે જોઈ પીઉ... પીઉ... ટહુકા કરે છે અને કીડી તેમ જ બીજા જીવજંતુ વરસાદ શરૃ થાય એ પહેલાં પોતપોતાના દરમાં ખાધાખોરાકીનો સામાન સંગ્રહ કરવા માંડયા છે, એમ નિસર્ગ મિત્ર સંસ્થાના અધ્યક્ષ પવન ગડવીરે જણાવ્યું હતું.
સતત માથેરાનના જંગલમાં ફરી નિરીક્ષણ કરતા આ પ્રકૃતિપ્રેમીએ જણાવ્યું હતું કે બુલબુલ, કોકિલા અને કાગડા વગેરે પક્ષીઓ તો ઈંડાં સેવવાના કામમાં વ્યસ્ત છે. અમુક પક્ષીના બચ્ચાં તો માળામાંથી બહાર પાડવા માંડયા છે. બે દિવસ પહેલાં માથેરાનની મુખ્ય બજારમાં એક ઝાડ પરથી પક્ષીનું બચ્ચું નીચે પડયું હતું અને સતત ઉડવાનો પ્રયાસ કરતું હતું. તાજા જન્મેલા પક્ષીના આ ઉડ્ડયનના પ્રયાસને જોવા જોતજોતામાં ટુરિસ્ટો ભેગા થઈ ગયા હતા અને ફટાફટ મોબાઇલથી વિડિયો ઉતારવા માંડયા હતા અને ફોટા પાડવા માંડયા હતા.
ચાતક પક્ષી ટહુકા કરવા માંડે ત્યારે સમજવું કે ચોમાસાનું આગમન નજીક છે. કાગડાએ કેટલાં ઈંડાં મૂક્યા તેની ઉપરથી પણ વરસાદનું અનુમાન કરવામાં આવે છે. કાગડી ચાર ઈંડાં મૂકે તો સારો વરસાદ, બે ઈંડાં મૂકે તો ઓછો વરસાદ અને એક ઈંડું મૂકે તો ખૂબ જ ઓછો અથવા નહીંવત્ વરસાદ પડશે એવું અનુમાન કરવામાં આવે છે.