Get The App

મુંબઈના વિલે પાર્લેમાં 26 વર્ષ જૂના જૈન દેરાસર પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું, લાઠીચાર્જ પણ કરાયો

Updated: Apr 19th, 2025

GS TEAM


Google News
Google News
મુંબઈના વિલે પાર્લેમાં 26 વર્ષ જૂના જૈન દેરાસર પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું, લાઠીચાર્જ પણ કરાયો 1 - image


Mumbai Jain Temple News : વિલે પાર્લે ઈસ્ટના કામલીવાડી વિસ્તારમાં આવેલું 26 વર્ષ જૂનું 1008 પાર્શ્વનાથ દિગમ્બર જૈન દેરાસર ગેરકાયદે  હોવાનું જણાવી પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાપાલિકાએ તોડી પાડયું હતું. આ દેરાસર માટે છેક સુપ્રીમ કોર્ટ સુધી કેસ ચાલ્યો હતો પરંતુ દેરાસરની  તરફેણમાં ફેંસલો આવ્યો ન હતો. છેલ્લી ઘડીએ પણ તોડકામ અટકાવવા માટે શ્રાવકો કોર્ટમાં ગયા હતા પરંતુ સ્ટે  માટે સુનાવણી થાય તે પહેલાં જ ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જૈન શ્રાવકોએ કોર્ટમાં સુનાવણી શરુ થાય ત્યાં સુધીમાં રોકાઈ જવા આજીજી કરી હતી પરંતુ તેમને લાઠીચાર્જ કરી ભગાડી દેવામાં આવ્યા હોવાનો આરોપ છે. 

મહાપાલિકાના અધિકારીઓ દાવો કર્યો કે  આ દેરાસરનો કેસ છેલ્લા 20 વર્ષથી વિવિધ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સીટી સિવિલ કોર્ટ,  હાઈકોર્ટ અને  સુપ્રીમ કોર્ટ સુધી પણ મામલો પહોંચ્યો હતો. પરંતુ દસ્તાવેજોના અભાવે કોર્ટ દ્વારા આ દેરાસરની જગ્યા ગેરકાયદે હોવાનું નોંધવામાં આવ્યું હતું. તોડકામ પર કોઈ સ્ટે નહિ હોવાથી  અમે આ દેરાસરને તોડી પાડયું છે.  પાલિકા કે-પૂર્વ વોર્ડના બિલ્ડીંગ અને ફેકટરી વિભાગના સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે દેરાસરના તોડકામ પહેલા અને પછી તમામ યોગ્ય કાયદાકીય પ્રક્રિયાઓને અનુસરવામાં આવી છે. 

આ અંગે દેરાસરના ટ્રસ્ટી અનિલ શાહે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે આઈ કામલી વાડી પરિસરની સોસાયટી અને પાલિકાના અધિકારીઓની મિલીભગતથી અહીં દેરાસરનું તોડકામ થયું છે. આ દેરાસરનું સ્ટ્રકચર 1935નું છે. મહાપાલિકાના નિયમ અનુસાર વર્ષ 1061-62 પહેલાંના કોઈપણ સ્ટ્રક્ચર કાયદેસર ગણાય છે.   અહીં માત્ર  સ્ટ્રક્ચર  હતું. એમાં દેરાસર ઊભું કરાયું હતું.  આશરે 400થી વધુ  જૈન શ્રાવકોનું આસ્થાનું પ્રતીક ગણાતા એવા દેરાસરને તોડી પાડવામાં આવ્યું છે. પરંતુ અમે અત્યારે ફરી પ્રભૂજીની પ્રતિમા મૂકીને પૂજા પાઠ કરી રહ્યા છે. ફરી દેરાસર ઊભું કરવા અમે તમામ કાયદાકીય પ્રક્રિયા કરીશું અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે એવી જોરદાર માંગણી કરીશું.

 વિલેપારલા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય પરાગ અલવણીએ જણાવ્યું હતું કે મેં   ડિમોલીશન પહેલાં જ પાલિકાના અધિકારીઓને વિનંતી કરી હતી કે તેઓ અદાલતમાં ગયા છે. તેમને સમય આપો. દેરાસરના ટ્રસ્ટીઓનો પક્ષ સાંભળવાનો મોકો આપો. પરંતુ પાલિકાએ કોઈની વાત સાંભળ્યા વગર અગાઉ કોર્ટે આપેલા આદેશ મુજબ ગેરકાયદે હોવાનું  ગણાવીને દેરાસર તોડી પાડયું છે.

ટ્રસ્ટી અનિલ શાહે જણાવ્યું હતું કે અહીં આવેલી સોસાયટીને પાર્ટ ઓસી મળ્યું  છે.  બિલ્ડરે  સોસાયટીના નિર્માણ બાદ  દેરાસરનું સ્ટ્રકચર હટાવવા કહ્યું હતું. જોકે, બિલ્ડરે સ્ટ્રક્ચર ન હટાવતાં તેને ઓસી મળ્યું ન હતું.   આથી સોસાયટી એ દેરાસરા વિરુદ્ધ  અદાલતમાં કેસ માંડયો હતો. હકીતમાં અહી સ્ટ્રકચર હતું અને વર્ષ 1998માં અમે સ્ટ્રકટચરમાં મંદિર એટલે દેરાસર બાંધ્યું હતું.  વર્ષ 2005માં જે પ્લોટ પર દેરાસર બાંધ્યું હતું.  તેને આરક્ષિત હોવાનો દાવો કરીને પાલિકાએ અમને નોટિસ આપી હતી. ત્યારથી  અમારી કાયદાકીય  લડતનો  આરંભ થયો હતો. સિટી સિવિલ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે અમારું મંદિર ગેરકાયદે  છે. પણ સુપ્રીમ કોર્ટના છેલ્લા આદેશમાં અમને નીચલી કોર્ટમાં તમામ દસ્તાવેજો રજૂ કરવાની  માટેની 8 દિવસની છૂટ આપી હતી.  અને તે માટેની અમારી પ્રક્રિયા પણ  ચાલુ હતી. તે દરમિયાન અમને નોટીસ આપી કે બુધવારે દેરાસર ડિમોલિશન કરવામાં આવશે. એટલે અમે તાત્કાલિક પાછા હાઈકોર્ટ પાસે ગયા  હતા અમને રાહત મળવાની જ હતી પણ બુધવારે સવારે નવ વાગ્યે પાકા પોલીસ બંદોબસ્ત હેઠળ પાલિકાએ દેરાસરને  તોડી પાડયું  હતું આ તોડકામ દરમિયાન શ્રાવકો વિરોધ કરતાં અફડાતફડી મચી હતી.  પોલીસે બળજબરી કરીને હળવો લાઠી ચાર્જ સુદ્ધાં કર્યો હતો. આ દેરાસરનું ડિમોલેશન સોસાયટી અને પાલિકાના અધિકારીઓની સાંઠગાંઠથી થયું હોવાનો આક્ષેપ ટ્રસ્ટી  અનિલ શાહે કર્યો હતો.

 દરમિયાન અખિલ ભારીતીય જૈન અલ્પસંખ્યક મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ લલિત ગાંધીએ વિલેપારલેના ૧૦૦૮ પાર્શ્વનાથ દિગંબર જૈન દેરાસરને પાલિકાએ તોડી પાડવાનો વિરોધ કર્યો છે. આ અંગે  રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને પાલિકાના ે અધિકારી સામે તત્કાલિક કાર્યવાહી  કરવા  અને દેરાસરનું પુનઃનિર્માણ કરાવવાની પણ માગણી તેમણે કરી છે.


Tags :