નિર્વાહ કરવા અસમર્થ પુખ્ત અવિવાહિત પુત્રી પિતા પાસે ભરણપોષણ માગી શકે
કૌટુંબિક વિવાદમાં માતાપિતાથી અલગ રહેતી પુત્રીની અરજી
પુત્રી ભરણપોષણ માટે પાત્ર નહિ હોવાનો પિતાનો દાવો પરંતુ હિન્દુ દત્તક નિર્વાહ કાયદા અનુસાર હાઈકોર્ટે આદેશ બહાલ રાખ્યા
મુંબઈ - હિન્દુ દત્તક અને નિર્વાહ કાયદામાં પોતાનું પાલન પોષણ કરવામાં અસમર્થ પુખ્ત અવિવાહિત પુત્રીને પિતા પાસેથી ભરણપોષણ માગવાનો અધિકાર હોવાનો ચુકાદો બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે આપ્યો છે.
૨૪ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અકોલા ફેમિલી કોર્ટે એક પુખ્ત અવિવાહિત પુત્રીને મહિને પાંચ હજારની રકમ મંજૂર કરતાં પિતાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. ફોજદારી દંડ સંહિતાની કલમ ૧૨૫ હેઠળ પુખ્ત પુત્રી ભરણપોષણને પાત્ર નહોવાનો દાવો પિતાએ કર્યો હતો.
હાઈકોર્ટે આ દાવો ધ્યાનમાં લઈને પુત્રીને હિન્દુ દત્તક તથા નિર્વાહ કાયદા હેઠળ અધિકાર હોવાનું સ્પષ્ટ કર્યું હતું. હાઈકોર્ટે જણાવ્યું હતું કે ફોજદારી દંડ સંહિતાની કલમ ૧૨૫ અનુસાર પુખ્ત અવિવાહિત પુત્રી શારીરિક કે માનસિક સમસ્યા હોય તો જ ભરણપોષણને પાત્ર છે. સામાન્ય પુખ્ત પુત્રીને કાયદો લાગુ પડતો નથી, પણ હિન્દુ દત્તક નિર્વાણ કાયદાની કલમ ૨૦ અનુસાર પોતાનું પાલનપોષણ કરવામાં અસમર્થ પુખ્ત અવિવાહિત પુત્રી પિતા પાસેથી ભરણપોષણ માગવાનો અધિકાર ધરાવે છે, એમ કોર્ટે જણાવ્યું હતું.
કેસની વિગત અનુસાર પુત્રીના માતાપિતા કૌટુંબિક વિવાદને લીધે જુદા રહે છે. પુત્રી માતા સાથે રહીને મંંબઈમાં કાયદાનો અભ્યાસ કરી રહી છે. તેની પાસે ઉત્પન્નનું સાધન નથી, આથી તેણે ફેમિલી કોર્ટમાં અરજી કરીને પિતા પાસે ભરણપોષણ માગ્યું હતું.