Get The App

બોરીવલી અને થાણેનો જોડતો અન્ડરગ્રાઉન્ડ રોડ બનાવાશે

- બાન્દ્રા- વર્સોવા સી- લિન્કને વિરાર સુધી લંબાવાશે

Updated: Sep 21st, 2019


Google NewsGoogle News
બોરીવલી અને થાણેનો જોડતો અન્ડરગ્રાઉન્ડ રોડ બનાવાશે 1 - image


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.21 સપ્ટેમ્બર 2019, શનિવાર

થાણે અને બોરીવલી વચ્ચે ભૂગર્ભ માર્ગ (અન્ડર ગ્રાઉન્ડ રોડ) બનાવવામાં આવશે, એમ પીડબલ્યુડી પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન વિકાસ નિગમ (એમએસઆરડીસી)ની બાન્દ્રા કચેરીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે 'આ પ્રોજેક્ટને કારણે થાણે અને બોરીવલીની સફરનો સમય ઘણો ઘટી જશે. આ માટે અન્ડર ગ્રાઉન્ડ ટનલ બનાવવામાં આવશે.'

'આ ૧૦ કિ.મી. લાંબા માર્ગ માટે જંગલ ખાતા પાસે એમએસઆરડીસીએ પરવાનગી માગી છે, એમ તેમણે જણાવ્યું હતું. એમએસઆરડીસી અધિકારીએ જણાવ્યું હતું કે આ માટે ત્રણ લાઈનની બે ટનલ બનાવવામાં આવશે, જે ૧૫ મીટર પહોળી હશે. આ અન્ડર ગ્રાઉન્ડને ઘોડબંદર રોડ પર વળાંક આપવાનું ટાળવામાં આવશે.

અત્યારે થાણેથી બોરીવલી પહોંચતા લગભગ બેથી ત્રણ કલાક જેટલો સમય લાગે છે. આ પ્રોજેક્ટ પૂરો થતાં લગભગ ૨૧ કિ.મી.નો માર્ગ માત્ર ૧૫ મિનિટમાં પૂરો કરી શકાશે. આ માર્ગને એક કિ.મી. લાંબો લિંક રોડ પણ હશે. ૧૦.૨૦ કિ.મી.ની ટનલ સંજય ગાંધી નેશનલ પાર્ક નીચે બનાવવામાં આવશે, જે ટીકુજીની વાડી (થાણે)થી શરૂ થશે અને બોરીવલીમાં પશ્ચિમ એક્સપ્રેસ સાથે તેને જોડવામાં આવશે.

આ પ્રોજેક્ટ માટે રૂ.૮,૯૦૦ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. એમએસઆરડીસી અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ આડે પર્યાવરણ મંત્રાલયને વાંધો છે, આથી તેની મંજૂરી માટે જંગલ ખાતાને અરજી સોંપવામાં આવી છે. આ સાથે જ આ પ્રોજેક્ટ અંગે ભંડોળ પણ અપૂરતું હોવાનું એમએસઆરડીસીના  વર્તુળોએ જણાવ્યું છે.

 આ માટે રાજ્ય સરકાર તરફથી નાણાંકીય ટેકો મળી રહે એવી અપેક્ષા રાખવામાં આવે છે. આ પ્રોજેક્ટનો ડેવલપમેન્ટ પ્લાન રિપોર્ટ છેલ્લા તબક્કામાં છે.

એકનાથ શિંદેએ બાન્દ્રા- વર્સોવા સી લિન્કને વિરાર લુધી લંબાવવાની પણ જાહેરાત કરી છે. 'બાન્દ્રા- વર્સોવા સી લિન્કને વિરાર સુધી લંબાવવામાં આવશે અને તેનો ડેવલપમેન્ટ પ્લાન રિપોર્ટ પણ એ સાથે જ પૂરો થશે, એમ તેમણે જણાવ્યું હતું.

સમૃધ્ધિ મહાનગર કોરિડોર મુંબઈ અને નાગપુરને જોડશે, એ અંગે શ્રી શિંદેએ જણાવ્યું હતું કે ૭૦૦ કિ.મી. લાંબા આ માર્ગનું બાંધકામ તો શરૂ થઈ ગયું છે અને ૧૮થી ૨૦ ટકા જેટલું કામ પૂરું પણ થઈ ગયું છે. આ આખો પ્રોજેક્ટ ૨૦૨૨ સુધીમાં પૂરો થાય એવી અપેક્ષા રાખવામાં આવે છે.


Google NewsGoogle News