નાસિકમાં 3200 કિલો કાંદા ભરેલું આખું ટ્રેક્ટર ચોરાયું
કાંદાના ભાવ વધતાં તસ્કરોનું નિશાન
ડુંગળીના ઉંચા ભાવને લીધે હવે ખેડૂતોએ ચોકી પહેરો રાખવો પડે છે
મુંબઇ : દેશમાં સૌથી વધુ કાંદાનું ઉત્પાદન કરતા નાસિક જિલ્લામાં સરસ્વતીવાડી ગામે ગઇ કાલે ૩૨૦૦ કિલો કાંદા ભરેલું આખું ટ્રેક્ટર જ ચોરટાઓ ઉપાડી ગયા હતા.
વિજય આહેર નામના ખેડૂતે માર્કેટમાં વેંચવા માટે લઇ જવા માટે રાત્રે ટ્રેક્ટરની ટ્રોલીમાં ૩૨૦૦ કિલો કાંદા ભરીને રાખતા હતા. બીજે દિવસે સવારે ઉઠીને જોયું તો કાંદા ભરેલું ટ્રેક્ટર જ ચોરાઇ ગયું હતું. આથી તેણે દેવળા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી હતી.
નાસિક જિલ્લાનું લાસલગાંવ કાંદાના વેચાણનું મુખ્ય પથક છે. કાંદાના ભાવ ઉંચકાયા પછી ખુલ્લા શેડ નીચે રાખવામાં આવતા કાંદા ચોરાય નહી માટે ખેડૂતોએ ચોકી પહેરો રાખવો પડે છે. ગયા વર્ષે કાંદાની ચોરીના કેટલાય બનાવો બન્યા હતા.