મુંબઈ એરપોર્ટ પર વ્હીલચેરના અભાવે ચાલવા માંડેલા 80 વર્ષના વૃદ્ધનું મોત
ન્યુયોર્કથી આવેલાં દંપતીને પ્રિ બુકિંગ છતાં પણ વ્હિલચેર ન અપાઈ
પત્નીને વ્હિલચેર મળી, તેમની વ્હિલચેર સાથે દોઢ કિમી ચાલ્યા બાદ 80 વર્ષીય પતિ ઈમીગ્રેશન કાઉન્ટર પર ફસડાઈ પડયાઃ
32 વ્હિલચેરની ડિમાન્ડ સામે માત્ર 15 જ ઉપલબ્ધ હતી
મુંબઇ : ગત બાર ફેબુ્રઆરીએ એર ઇન્ડિયાની ફલાઇટ એઆઇ-૧૧૬માં ન્યુ યોર્કથી મુંબઇ આવેલાં ભારતીય મૂળના ૮૦ વર્ષના ઇકોનોમી ક્લાસના પ્રવાસીએ ફલાઇટમાં વ્હીલચેર પ્રિ બુક કરાવી હોવા છતાં તેને વિમાનમાંથી ઇમિગ્રેશન કાઉન્ટર સુધીનું દોઢ કિલોમીટરનું અંતર ચાલીને કાપવાની ફરજ પડાવાને પગલે આ પ્રવાસી ઇમિગ્રેશન કાઉન્ટર પર જ હ્ય્દયરોગના હુમલાનો ભોગ બન્યા હતા જેને પરિણામે પત્નીની હાજરીમાં જ તેમનું મોત થયું હતું. તાજેતરમાં કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગે દેશના છ મેટ્રો એરપોર્ટસ દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, બેન્ગાલુરૃ, કોલકાતા અને ચેન્નાઇ પર પ્રવાસીઓની સહાયાર્થે વોર રૃમ્સ સ્થાપવાના આદેશો આપ્યા હતા આમ છતાં આ ઘટના બની છે તે દર્શાવે છે કે સરકારી જાહેરાતનો હજી સુધી કોઇ અમલ થયો જણાતો નથી અને પ્રવાસીઓ એરલાઇન્સની ખામીભરી સેવાઓનો ભોગ બની રહ્યા છે.
રવિવારે ન્યુ યોર્કથી રવાના થઇ મુંબઇ આવેલી એર ઇન્ડિયાની ફલાઇટમાં ૮૦વર્ષના વૃદ્ધ અને તેમની પત્નીએ ઇકોનોમી ક્લાસમાં પ્રવાસ કરતાં પૂર્વે વ્હીલચેર બુક કરાવી હતી. ફલાઇટ સોમવારે સવારે ૧૧.૩૦ વાગ્યે મુંબઇ પહોંચવાની હતી પણ તે બપોરે ૨.૧૦ વાગ્યે લેન્ડ થઇ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફલાઇટમાં ૩૨ પ્રવાસીઓએ વ્હીલચેરની સુવિધા માંગી હતી પણ એરપોર્ટ પર તેમની સહાય માટે માત્ર પંદર વ્હીલચેર જ ઉપલબ્ધ કરાવાઇ હતી.
એર ઇન્ડિયાના પ્રવક્તાએ શુક્રવારે સોળ ફેબુ્રઆરીએ આ મામલે નિવેદન બહાર પાડી સ્પષ્ટતા કરી હતી કે વ્હીલ ચેરની માગ ખૂબ હોવાથી અમે પ્રવાસીને વ્હીલચેર ઉપલબ્ધ થાય ત્યાં સુધી રાહ જોવા જણાવ્યું હતું પણ તેમણે તેમની પત્ની સાથે ચાલીને જવાનું પસંદ કર્યું હતું.વ્હીલચેરની અછત હોવાથી આ દંપતીની સહાય માટે એક જ વ્હીલચેર સાથે સહાયક આવ્યો હતો. જેને પગલે પત્નીએ વ્હીલચેરમાં બેસવાનું અને પતિએ તેની સાથે ચાલવાનું પસંદ કર્યું હતું. પ્રવાસીએ દોઢ કિલોમીટર ચાલીને ઇમિગ્રેશન કાઉન્ટર સુધીનું અંતર કાપ્યુ હતું. એ પછી હ્ય્દયરોગનો હુમલો આવતાં ૮૦ વર્ષનો પ્રવાસી ઇમિગ્રેશન કાઉન્ટર પર જ ઢળી પડયો હતો. પ્રવાસીને મુંબઇ એરપોર્ટ મેડિકલ સુવિધા કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાંથી તેને ડોક્ટરની સલાહ અનુસાર તત્કાળ નાણાંવટી હોસ્પિટલમાં લઇજવામાં આવ્યો હતો પણ તમેને બચાવી શકાયા ન હતા.
એર ઇન્ડિયાએ આ ઘટનાને કમનસીબ ગણાવી ઉમેર્યું હતું કે અમે શોકગ્રસ્ત પરિવારના સતત સંપર્કમાં છીએ જરૃરી સહાય પુરી પાડી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિમાનો મોડાં પડવાની અનેક ઘટનાઓ બનવાને પગલે હાલાકીમાં મુકાયેલાં પ્રવાસીઓ માટે ખાસ સહાય કક્ષની સુવિધાની જાહેરાત કરતાં કેન્દ્રના નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિર્દિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે દેશના છ મેટ્રો એરપોર્ટસ પરથી દરરોજ ત્રણવાર વિવિધ ઘટનાઓ વિશે રિપોર્ટ સુપરત કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવીશું. ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના નિર્દેશોનું પાલન તથા નાગરિક ઉડ્ડયન માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સનું પાલન થાય તે બાબતે ચોંપ રાખવામાં આવશે અને તેનું નિયમિત રિપોર્ટિંગ કરવામાં આવશે. આ વિશેષ કક્ષ માટે જરૃરી માનવબળ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા પુરૃ પાડવામાં આવશે જેથી તે ચોવીસે કલાક કાર્યરત રહી શકે.