દેશનાં 8 મહાનગરોમાં ફ્લેટસના વેચાણની દ્રષ્ટિએ મુંબઇ ટોચ પર
મકાનોની કિંમતમાં એક વર્ષમાં સરેરાશ છ ટકાનો વધારો
વર્ષ દરમિયાન 24222 ઘર વેચાયા, અને 23677 નવા ઘરનું બાંધકામ શરૃ
મુંબઇ : ભારતના આઠ મોટાં શહેરોમાં મુંબઇ ઘરના વેચાણમાં પ્રથમ રહ્યું છે તેવું એક પ્રોપર્ટી કન્સલ્ટન્ટના સર્વેમાંથી જાણવા મળ્યું છે. વર્ષ ૨૦૨૪ના જુલાઇ- સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મુંબઇમાં ૨૪,૨૨૨ ઘર વેચાયા હતા જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં નવ ટકાનો વધારો સૂચવે છે. જુલાઇ- ઓગસ્ટ- સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૨૩,૬૭૭ નવા ઘર બાંધવાની શરૃઆત પણ થઇ ગઇ હતી.
ઘરોની સરેરાશ કિંમતમાં એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં ૬ ટકા વધીને પ્રતિ ચોરસ ફીટ રૃા. ૮૦૫૬ થયો છે જે દેશમાં સૌથી વધું છે. ૫૦ લાખ રૃપિયાથી એક કરોડ રૃપિયાના ફ્સેટસના વેચાણમાં અગાઉના વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ૧૦ ટકાનો વધારો થયો છે. આવા ફ્લેટસનો હિસ્સો કુલ વેચાણમાં ૨૪ટકા નોંધાયો છે. ૫૦ લાખ રૃપિયાથી ઓછી કિંમતના રૃા. ૧૦,૧૯૮ યુનિટ વેચાયા હતા. જે કુલ વેચાણના ૪૨ ટકા છે. એક કરોડ રૃપિયા અને વધુ કિંમતની શ્રેણીમાં વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીમાં ૧૬ ટકા વૃદ્ધિદર નોધાયો હતો. વર્ષ ૨૦૨૩ના ત્રીજા ક્વાર્ટરમાં ૭૦૧૮ ઘર વેચાયા હતા જે આ વર્ષના સમાન સમયગાળામાં વધીને ૮૧૫૩ થયા હતા.