અમિતાભના જમાઈ નિખિલ નંદા પર આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો
યુપી પોલીસે નિખિલ સામે કેસ દાખલ કર્યો
નિખિલ નંદાની એક કંપનીના ડીલરે સ્યુસાઈડ નોટમાં તેમનું નામ લખ્યું હતું
મુંબઇ - અમિતાભ બચ્ચનના જમાઇ નિખિલ નંદા પર યુપીમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દખલ થયો છે.
નિખિલ નંદાની ટ્રેકટર કંપનીના એક ડિલરે આપઘાત કર્યો હતો. તેના પર ટ્રેકટર સેલ્સ માટે અનુચિત દબાણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપીઓ તરીકે કંપનીના અન્ય અધિકારીઓ ઉપરાંત કંપનીના એમડી તરીકે નિખિલ નંદાનું પણ નામ અપાયું છે. જિતેન્દ્ર નામના ડીલરને એવી ધમકી આપ્યાનો આરોપ છે કે જો તે સેલ્સ ટાર્ગેટ પૂરા નહિ કરે તો તેની સંપત્તિ છિનવી લેવાશે. જિતેન્દ્ર સિંહના ભાઈએ આ ફરિયાદ કરી છે.
દરમિયાન નિખિલ નંદાની કંપની દ્વારા જણાવાયું હતું કે કંપની આ કેસની તપાસમાં પોલીસને સંપૂર્ણ સહયોગ આપશે. જોકે, કંપનીએ ફરિયાદમાં થયેલા આક્ષેપો નકાર્યા હતા.
ઉલ્લેખનીય છે કે નિખિલ નંદા અમિતાભના જમાઈ હોવા ઉપરાંત સ્વ. રિશી કપૂર તથા રણધીર કપૂરનો ભાણેજ પણ છે. નિખિલ નંદા દિલ્હીમાં રહે છે જ્યારે તેની પત્ની અને અમિતાભની દીકરી શ્વેતા નંદા મોટાભાગે મુંબઈમાં જ રહે છે. તેમનાં સંતાનો અગસ્ત્ય તથા નવ્યા નવેલી પણ મુંબઈમાં રહે છે. અગસ્ત્ય 'આર્ચીઝ' ફિલ્મ દ્વારા બોલીવૂડમાં ડેબ્યૂ કરી ચૂક્યો છે.