અમિતાભ-રજનીકાંતને એક્ટિંગ આવડતી નથીઃ એલેન્સિઅર લે લોપેઝ
પોતાની મલયાલમ ફિલ્મના પ્રમોશન વખતે દાવોે
અમિતાભ અને રજનીકાંતની વેટ્ટિયનમાં ફક્ત એક સીન પૂરતી એલેન્સિયરની ભૂમિકા
મુંબઈ - રજનીકાંત અને અમિતાભ એક્ટિંગ કેમ કરવી તે જાણતા જ નથી તેવો દાવો એક મલયાલમ કલાકાર એલેન્સિયર લે લોપેઝે કર્યો છે. એલેન્સિયરે આ બંને દિગ્ગજો સાથે તમિલ ફિલ્મ 'વેટ્ટિયન'માં એક સીનમાં સાથે કામ કર્યું છે.
ગયા ઓક્ટોબરમાં 'વેટ્ટિયન' ફિલ્મ રીલિઝ થઈ હતી. અમિતાભ અને રજનીકાંતે ૩૩ વર્ષ પછી આ ફિલ્મમાં સ્ક્રીન શેર કરી હતી. આ ફિલ્મના એક કોર્ટ રુમ સીનમાં રજનીકાંત અને અમિતાભ સામસામે દલીલો કરે છે. આ દ્રશ્યમાં એલેન્સિયર જજ તરીકે આ દલીલો સાંભળે છે.
તાજેતરમાં એલેન્સિયરે પોતાની નવી મલયાલમ ફિલ્મ 'નારાયનીન્તે મૂન્નાનમક્કલ'નાં પ્રમોશન વખતે એક સંવાદમાં એમ કહ્યું હતું કે તેણે આ બે પીઢ અભિનેતાને કેમેરા સામે પરફોર્મ કરતા જોવા માટે જ આ ફિલ્મ સ્વીકારી હતી. તેણે કહ્યું હતું ફિલ્મનાં શૂટિંગ વખતે જ મને લાગ્યું હતું કે હું રજનીકાંત કે અમિતાભની બરોબરી કરી શકું તેમ નથી કારણ કે મારી પાસે તેમના જેવી સ્ટાઈલ નથી કે તેમના જેવો ઊંડો સ્વર નથી. હું દિલીશ પોથાન, શરન વેણુગોપાલ અને રાજીવ રવિ જેવા સર્જકોની ફિલ્મોમાં જ કામ કરી શકું છું અને મને અહેસાસ થઈ ગયો છે કે આ બંને દિગ્ગજ કલાકારો એક્ટિંગ જાણતા નથી.
તેણે એમ પણ સ્વીકાર્યું હતું કે આ નિવેદન બાદ તેના માટે તમિલ ફિલ્મ ઉદ્યોગના દરવાજા કાયમ માટે બંધ થઈ જશે તે પોતે જાણે છે. એલેન્સિયર અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો કરી ચૂક્યો છે અને તેની સામે સહકલાકાર દ્વારા જાતીય દુર્વ્યવહારની ફરિયાદો પણ થઈ ચૂકી છે.