અમિતાભ ને હોસ્પિટલમાંથી રજા, એન્જિયોપ્લાસ્ટી કરાવ્યાની ચર્ચા
પગની નસોમાં લોહીના મુક્ત પ્રવાહ માટે સર્જરી
જોકે, માત્ર ચેક અપ માટે જ હોસ્પિટલમાં દાખલ થયાનો પણ દાવોઃ અમિતાભની કોઈ સ્પષ્ટતા નહીં
મુંબઈ : મેગા સ્ટાર અમિતાભ બચ્ચનને મુંબઈના અંધેરીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ આજે મુક્તિ પણ મળી ગઈ હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરાયાની ચર્ચા ફેલાતાં ચાહકોમાં ચિંતાનું મોજું પ્રસર્યું હતું. જોકે, બાદમાં કેટલાક અહેવાલો અનુસાર અમિતાભને પગમાં લોહીનો પ્રવાહ અવરોધાયો હોવાથી એન્જિયોપ્લાસ્ટિ કરવામાં આવી હતી. જોકે, અન્ય કેટલાક વર્તુળોએ કહ્યું હતું કે તેમને માત્ર રુટિન ચેક અપ માટે જ હોસ્પિટલ લઈ જવાયા હતા. અમિતાભે પોતે આ વિશે કોઈ માહિતી આપી નથી.
અમિતાભને ભારે સિક્યોરિટી બંદોબસ્ત વચ્ચે અચાનક હોસ્પિટલમાં દાખલ કરાયાના સમાચાર પ્રસરતાં જ ચાહકો ચિંતિત બની ગયા હતા. તાજેતરમાં 'કલ્કિ એડી ૨૮૯૮' ફિલ્મના શૂટિંગ વખતે પણ અમિતાભને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમણે હૈદરાબાદમાં શૂટિંગ અટકાવી ભારત પાછા ફરવું પડયું હતું. હવે તેમને નવી કોઈ તકલીફ સર્જાઈ કે શું તેવી પૂછપરછનો મારો ચાલ્યો હતો.
એ પછી તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોવાના અહેવાલ વહેતા થતાં ચાહકો વધુ ચિંતિત બન્યા હતા. મોટાભાગે એન્જિયોપ્લાસ્ટિ હાર્ટ એટેક આવ્યા પછી કે હાર્ટ બ્લોકેજ હોય તો તે દૂર કરવા માટે થતી હોવાની માન્યતાને પગલે જાત જાતની અટકળો વહેતી થઈ હતી. પરંતુ, બાદમાં એવી સ્પષ્ટતા આવી હતી કે આ એન્જિયોપ્લાસ્ટી હાર્ટ સંબંધિત નહીં પરંતુ પગની નસ સંબંધિત હતી. એ પછી વધુ એક દાવો એવો પણ કરાયો હતો કે અમિતાભને કોઈ મોટી ગંભીર તકલીફ નથી. તેમણે માત્ર રુટિન ચેક અપ માટે જ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેઓ હવે પોતાના ઘરે પણ પહોંચી ગયા છે.
સામાન્ય રીતે અમિતાભ સોશિયલ મીડિયા પર અતિશય એક્ટિવ છે અને ચાહકો સાથે ઝીણામાં ઝીણી બાબતો શેર કરે છે. જોકે, પોતાના હેલ્થ અપડેટ વિશે તેઓ ભાગ્ય ેજ કોઈ માહિતી આપે છે. તેમને ખ્યાલ છે કે તેમની હેલ્થ વિશેની નાની અમથી બાબત પણ બહુ મોટાપાયે સમાચારોમાં ચગી શકે છે. આથી, તેઓ હેલ્થ વિશે બંને ત્યાં સુધી મૌન જાળવે છે.