બીનાકા ગીતમાલાથી જગમશહૂર બનેલા રેડિયોના રાજા અમીન સયાનીનું નિધન

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
બીનાકા ગીતમાલાથી જગમશહૂર બનેલા રેડિયોના રાજા અમીન સયાનીનું નિધન 1 - image


નમસ્કાર બહેનો ઔર ભાઇઓે..ના ચિરપરિચિત ઘોષ દાયકાઓ સુધી ગાજ્યો

54 હજારથી વધુ રેડિયો પ્રોગ્રામ, 19 હજાર જિંગલ ગાયાં, 91 વર્ષીય સયાનીને આજે મુંબઈમાં અંતિમ વિદાય અપાશે

મુંબઇ :  રેડિયોનો રણકતો અવાજ અને બિનાકા ગીતમાલાથી જગમશહૂર બનેલા અમીન સયાનીનું ૯૧ વર્ષની જૈફ વયે આજે નિધન થયું હતું.

અમીન સયાનીને ગઇકાલે હાર્ટઅટેક આવતા તરત જ તેમને એચ.એન. રિલાયંસ ફાઉન્ડેશન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા એમ સદ્ગતના પુત્ર રજિલ સયાનીએ જણાવ્યું હતું.

૨૧મી ડિસેમ્બર ૧૯૩૨માં મુંબઇમાં જન્મેલા અમીન સયાનીએ તેમની કારકિર્દીની શરૃઆત ઇંગ્લિશ બ્રોડકાસ્ટર તરીકે કરી હતી, પરંતુ આઝાદી પછી હિન્દી ભાષા તરફ વળ્યા હતા. તેમના મોટાભાઇ હમીદ સયાનીને પગલે રેડિયો એનાઉન્સર બનેલા અમીનભાઇને મોટાભાઇએ સલાહ આપી કે શ્રોતાઓના કાનને કંઇક નવું લાગે માટે એનાઉન્સમેન્ટની શરૃઆત પારંપારિક રીતે ભાઇઓ ઔર બહેનો...થી નહીં પણ બહેનો ઔર ભાઇઓ..થી કર. બસ આ ગુરુમંત્ર અપનાવી કામયાબીના અનેક શિખરો સર કર્યા. તેમણે ૫૪ હજારથી વધુ રેડિયો પ્રોગ્રામો પ્રોડયુસ કર્યા અને કોમ્પેયર કર્યા  હતા. ઉપરાંત ૧૯ હજાર સ્પોટ- જિંગલ (સંગીતમય વિજ્ઞાાપન)માં તેમનો અવાજ રણક્યો હતો. જો કે એમને સિદ્ધિ-પ્રસિદ્ધિના શિખર પર લઇ ગયો હતો િબિનાકા ગીતમાલાનો રેડિયો કાર્યક્રમ ૧૯૫૨થી ૧૯૯૪ સુધી આ કાર્યક્રમ હિન્દી ફિલ્મ સંગીતના શોખીનો માટે સૌથી લોકપ્રિય કાર્યક્રમ સાબીત થયો હતો.

અમીન સયાની આપણી વચ્ચે નથી રહ્યાં પણ તેમનો અમર અવાજ હંમેશા સહુના કાનમાં અને હૈયામાં ગુંજતો રહસે એવી સહુએ ભાવના વ્યક્ત કરી હતી.  અમીન સયાનીની આવતી કાલે મુંબઇમાં અંતિમવિધિ કરવામાં આવશે. 

પીએમ મોદી ઉપરાંત બોલીવૂડના દિગ્ગજોની શ્રદ્ધાંજલિ

અમીન સયાનીના નિધન અંગે દિલસોજી દર્શાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશના બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રમાં કાંતિ લાવવામાં અમીન સયાનીએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી અને અગણિત શ્રોતાઓ સાથે અતૂટ નાતો બાંધ્યો હતો. સદ્ગતના પરિવાર અને તમામ રેડિયોપ્રેમીઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરું છું. ગૃહ પ્રધાન અમિત શાહે પણ સદગતને અંજલી આપી હતી. 

અમીન સયાનીના નિધનને પગલે બોલીવુડમાં અને હિન્દી ફિલ્મ સંગીતની દુનિયામાં શોકની છાયા ફરી વળી હતી. અભિનેતા અનુપમ ખેર, નિર્દેશક મધુર ભંડારકર, દિગ્દર્શક અનિલ શર્મા તેમજ દેશભરના રેડિયો જોકીઓ તરફથી આલા દરજ્જાના એનાઉન્સર અમીનભાઇને અંજલી આપી હતી. આજે દિવસભર સોશિયલ મીડિયા પર લોકોએ પોતાના રેડિયો પર ગીતમાલાના શ્રવણના દિવસો યાદ કર્યા હતા. અનેક લોકોએ આજે ખરેખર પોતે યુ ટયુબ પર જઈને અમીન સયાનીના જૂના કાર્યક્રમોની લિંક શોધીને તેમને સાંભળ્યા હોવાનું જણાવ્યું હતું.   

અમિતાભને મળવાની ના પાડી દીધી હતી

બોલીવુડના પોતાના ઘેરા ઘુંટાયેલા અવાજથી જાણીતા મહાનાયકને એક જમાનામાં ઓલ ઇન્ડિયા રેડિયોએ વોઇસ ટેસ્ટમાં નાપાસ કરેલા. ત્યાર પછી તેઓ રેડિયો પ્રોગ્રામ તૈયાર કરતા અમીન સયાનીને મળવા સ્ટુડિયો પર પહોંચ્યા હતા પણ અપોઇન્ટમેન્ટ લીધા વગર આવેલા અમિતાભને મળવાનો તેમણે ઇન્કાર કરી દીધો હતો. જો કે વર્ષો વિત્યા પછી એજ બિગ-બીનો તેમણે ઇન્ટરવ્યૂ લીધો હતો. 

અમિન સયાનીનો ગાઢ સંબંધ હિન્દી ફિલ્મ સંગીત સાથે રહ્યો હતો, પરંતુ ભૂતબંગલા સહિત ત્રણ ચાર ફિલ્મોમાં પડદા પર પણ દેખાયા હતા. 

પ્રાથમિક શિક્ષણ ગુજરાતીમાં મેળવ્યું હતું.

અમીન સયાનીએ પહેલાં અંગ્રેજી અને પછી હિન્દી ઉદ્ઘોષક તરીકે નામના મેળવી હતી. જોકે અમીનભાઇએ પ્રાથમિક શિક્ષણ દક્ષિણ મુંબઇની ન્યુ એરા સ્કૂલમાં ગુજરાતીમાં જ લીધું હતું એ હકિકત આજે વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે જાણીને ઘણાંને સુખદ આશ્ચર્ય થશે. સ્કૂલની એક પ્રાર્થના પણ યાદ કરીને  ગાતા 'ધન્ય ન્યુ એરા... મારી ધન્ય ન્યુ એરા...

અમીન સયાની મૂળ કચ્છના

અવાજને લીધે દેશ અને દુનિયામાં મશહૂર બનેલા અમીન સયાની મૂળ કચ્છ-ભૂજના વતની હતા. મુંબઇમાં કચ્છની એક સંસ્થા તરફથી સન્માન કરવામાં આવ્યું ત્યારે તેમણે નિખાલસતાથી કહ્યું હતું કે હું કડકડાટ કચ્છી બોલી નથી શકતો, પણ મારા ફેમિલીમાં કચ્છી ભાષા બોલાય છે.



Google NewsGoogle News